નકસલોને સાફ કરનાર, વીરપ્પનને ઢાળી દેનાર અધિકારીઓની કાશ્મીરમાં નિમણૂક

શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરમાં રાજ્યપાલ શાસન લાગુ થયા બાદ દેશના સૌથી ચર્ચાસ્પદ અધિકારીઓની રાજ્યપાલના સલાહકાર તરીકે નિમણૂક કરવામાં આવી છે. છત્તીસગઢના એડિશનલ ચીફ સેક્રેટરી બીવીઆર સુબ્રમણિયમની રાજ્યપાલના મુખ્યસચિવ તરીકે અને પૂર્વ આઈપીએસ અધિકારી વિજયકુમારની રાજ્યપાલના સલાહકાર તરીકે નિમણૂક કરાઈ છે.

સુબ્રમણિયમની ગણતરી દેશના કાબેલ અધિકારીઓમાં થાય છે અને તેમણે નકસલ પ્રભાવિત બસ્તર વિસ્તારમાં ખૂંખાર નકસલીઓને સાફ કરી નાંખીને સમગ્ર વિસ્તારમાં શાંતિ સ્થાપી હતી. એટલું જ નહીં કુખ્યાત ચંદનચોર વીરપ્પન ઓક્ટોબર ૨૦૦૪માં એક અથડામણમાં જ્યારે માર્યો ગયો હતો ત્યારે તે ટીમનું નેતૃત્વ પણ વિજયકુમારે સંભાળ્યું હતું.

પૂર્વ વડા પ્રધાન ડો. મનમોહનસિંહના ખાસ અધિકારીઓમાં પણ સુબ્રમણિયમનું નામ હતું અને તેમણે યુપીએ-૧માં મનમોહને પોતાના સંયુક્ત સચિવ તરીકે નિમણૂક કરી હતી. વર્લ્ડ બેન્ક સાથે ત્રણ વર્ષ સુધી સફળતાપૂર્વક કામ કર્યા બાદ સુબ્રમણિયમ જ્યારે પરત આવ્યા ત્યારે મનમોહનસિંહે તેમના પર વિશ્વાસ મુકીને જોઈન્ટ સેક્રેટરી તરીકે તેમની નિમણૂક કરી હતી.

ત્યાર બાદ સુબ્રમણિયમની છત્તીસગઢના ગૃહસચિવ તરીકે નિમણૂક કરી હતી અને તેમણે છત્તીસગઢના નકસલ પ્રભાવિત વિસ્તારોમાં નકસલીઓનો સફાયો કરાવીને વિકાસ કાર્યોને સફળતા પૂર્વક અંજામ આપ્યો હતો.

You might also like