એક અધિકારી રજા પર જતાં તેમનો ચાર્જ બે અધિકારીને સોંપાયો.!

રાજકોટ જિલ્લાના વહીવટીતંત્રમાં હમણાં એક નવી જ ચર્ચા સાંભળવા મળી હતી અને આ ચર્ચાનું કારણ એવું હતું કે રાજકોટના જિલ્લા વિકાસ અધિકારી (ડીડીઓ ) મનોજ કોઠારી તા. ૮ મીથી ૧પ દિવસની રજા પર ઊતર્યા હતા. હવે સામાન્ય રીતે ડીડીઓ જ્યારે રજા પર જાય ત્યારે જિલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સીના ( ડીઆરડીએ ) નિયામકને ચાર્જ સોંપાતો હોય છે પણ પહેલી વાર રાજકોટ જિલ્લામાં એવું બન્યું કે ડીડીઓ રજા પર જતાં તેમનો ચાર્જ સળંગ એક અધિકારીને બદલે વારાફરતી બે ઉચ્ચ અધિકારીઓને સોંપવામાં આવ્યો હતો. સામાન્ય રીતે આવા સંજોગોમાં એક જ અધિકારીને ચાર્જ સોંપાતો હોય છે.

ડીડીઓ મનોજ કોઠારી સામાજિક કામ માટે ૧પ દિવસની રજા પર જતાં તેમનો ચાર્જ તા. ૮થી ૧૬ સુધીનો જિલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સીના નિયામક જે. એન. વાઘેલાને સોંપવામાં આવ્યો હતો જ્યારે બીજા વીક માટે તા. ૧૩થી ર૩ સુધીનો ચાર્જ કોર્પોરેશનના નાયબ કમિશનર આર.જે.હાલાણીને સોંપવામાં આવ્યો છે.

અધિકારી હાલાણી તાલીમમાં છે જ્યારે ડીઆરડીએના નિયામક વાઘેલાને આરટીઓનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. આમ, એક અધિકારી પાસે એક કરતાં વધુ ચાર્જ ભેગા થઈ ગયા હોવાથી ડીડીઓનો ચાર્જ વારાફરતી બે અધિકારીને સોંપવામાં આવ્યો હોવાનાં કારણો અપાઈ રહ્યાં છે કારણ જે હોય તે પણ રાજકોટ જિલ્લાના વહીવટીતંત્રમાં આ મુદ્દો ચર્ચાઈ રહ્યો હતો.

You might also like