દીકરીની લાશ ખભા પર લઈ પોસ્ટમોર્ટમ કરાવવા આઠ કિ.મી. ચાલ્યો પિતા

ભુવનેશ્વર: ઓડિશામાં ચક્રવાત પ્રભાવિત ગજપતિ જિલ્લાથી એક એવી તસવીર સામે આવી છે, જેને જોઇને વ્યવસ્થાઓ પરથી વિશ્વાસ ઊઠી જાય છે. ગઇ કાલે એક પિતા પોતાની સાત વર્ષીય પુત્રીની લાશ ખભા પર લઇને આઠ કિ.મી. દૂર પગપાળા પોસ્ટમોર્ટમ કરાવવા પહોંચ્યો. ભૂસ્ખલનના કારણે આ બાળકીનું મોત થયું હતું.

જ્યારે સ્થાનિક ચેનલોએ આ ઘટનાની તસવીર બતાવવાની શરૂ કરી કરી ત્યારે લોકોના મગજમાં ફરી એક વાર ર૦૧૬ની એ ઘટના જીવિત થઇ, જેમાં એક વ્યકિત પોતાની પત્નીની લાશ ખભે રાખીને ૧૦ કિ.મી. દૂર ચાલીને કાલાહાંડી વિસ્તારમાં આવેલ ભવાનીપટની ગવર્નમેન્ટ હોસ્પિટલ પહોંચ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ ઘટના લક્ષ્મીપુર ગ્રામ પંચાયત હેઠળ આવતા અતંકપુર ગામમાં બની હતી.

મુકુંદ દોરાએ પોતાની દીકરીની લાશ બોરીમાં બાંધી ખભા પર મૂકી અને પોસ્ટમોર્ટમ કરાવવા નીકળી પડ્યો. અધિકારીઓનું કહેવું છે કે તીતલી વાવાઝોડા બાદ બબીતા ગાયબ થઇ ગઇ હતી. રાજ્ય સરકારે બુધવારે સ્થાનિક પંચાયતને મળેલી સૂચનાના આધારે તેને મૃત જાહેર કરી.

તાજેતરમાં તેની લાશ મળી. મૃતક બાળકીના પિતાનું કહેવું હતું કે ૧૧ ઓક્ટોબરથી તે ગાયબ હતી. વિશેષ રાહત કાર્યાલયના એક અધિકારીએ જણાવ્યું કે બબીતા ભારે વરસાદના કારણે  આવેલા પૂરમાં તણાઇ ગઇ હતી. મુકુંદ દોરાએ જણાવ્યું કે હું એક ગરીબ વ્યકિત છું અને ગામથી હોસ્પિટલ જવા માટે કોઇ પણ ગાડીનો ખર્ચ ઉઠાવી શકું તેમ નથી.

વાવાઝોડાના લીધે મારા ગામનો રસ્તો પણ ખરાબ થઇ ગયો છે. તેથી હું મારી દીકરીની લાશને બોરીમાં રાખી ખભે નાખીને ચાલવા લાવ્યો, જોકે આ જોઇને પોલીસે ઓટોરિક્ષાની વ્યવસ્થા કરી હતી.

You might also like