ઓડિશામાં ભાજપે જિલ્લા પરિષદની ૭૧ બેઠક જીતી

ભુવનેશ્વર: ઓડિશા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપનો દેખાવ શ્રેષ્ઠ રહ્યો છે. ભાજપ બીજુ જનતા દળ (બીજેડી)ને સીધી ટક્કર આપી રહ્યો હોવાનું જણાય છે. ભાજપે પ્રથમ તબક્કાની ૧૮૮ બેઠકમાંથી ૭૧ બેઠક પર વિજય હાંસલ કર્યો હતો. આ બેઠક માટે સોમવારે મતદાન થયું હતું. પ્રથમ તબક્કામાં ભાજપનું પ્રદર્શન ૧૦ ગણું સારું રહ્યું છે.

૨૦૧૨માં પ્રથમ તબક્કામાં ભાજપને માત્ર સાત જ બેઠક મળી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ટ્વિટ કરીને ભાજપ પર વિશ્વાસ મૂકવા બદલ લોકોને ધન્યવાદ આપ્યા હતા. ઓડિશાની ૮૫૪ બેઠક પર પાંચ તબક્કામાં મતદાન યોજાઈ રહ્યું છે. પ્રથમ તબક્કામાં ૧૮૮ બેઠક માટે સોમવારે મતદાન યોજાયું હતું. બીજા તબક્કામાં ૧૭૫ બેઠક માટે બુધવારે ૭૩ ટકા મતદાન થયું હતું. જ્યારે પાંચમા અને આખરી તબક્કાનું મતદાન ૨૧ ફેબ્રુઆરીએ યોજાશે.

પ્રથમ તબક્કામાં કોંગ્રેસ માત્ર ૧૧ બેઠક જ જીતી શકી છે. જ્યારે ૧૦૩ બેઠક જીતીને બીજેડી પ્રથમ સ્થાને રહી છે. જોકે ચૂંટણી પંચે હજુ આ પરિણામની સત્તાવાર જાહેરાત કરી નથી. ૨૦૧૨માં ભાજપને ૮૫૪ બેઠકમાંથી માત્ર ૩૬ બેઠક જ મળી હતી. બીજેડીનો ૬૫૬ બેઠક પર વિજય થયો હતો. કોંગ્રેસને ૧૨૬ બેઠક મળી હતી.
http://sambhaavnews.com/

You might also like