ઓડિશા-બંગાળ, પૂર્વોત્તરનાં પરિણામ ચોંકાવશેઃ જેટલી

લોકસભા ચૂંટણીઓના તાજેતરના બે તબક્કામાં થયેલા મતદાનને જોતાં નાણાપ્રધાન અરુણ જેટલીએ કહ્યું કે જનતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પક્ષમાં જતી દેખાય છે અને તેનાથી વિપક્ષી પાર્ટીઓની ઊંઘ ઊડી ગઈ છે, કેમ કે મોદી સરકાર વિરુદ્ધ તેમણે જે ખોટો પ્રચાર કર્યો છે તે વોટર્સને આકર્ષી શક્યો નથી.

જેટલીએ ટ્વિટ કર્યું કે ભારત હવે રાજકીય અસ્થિરતાના સમયને પાછળ છોડતાં ભાજપની પૂર્ણ બહુમતી સાથે સરકારને ચૂંટવાના રસ્તે અગ્રેસર છે. જેટલીએ દાવો કર્યો છે કે આ વખતે પૂર્વોત્તર, પશ્ચિમ બંગાળ અને ઓડિશાનાં ચૂંટણી પરિણામ અત્યંત ચોંકાવનારાં હશે. તેમણે ટ્વિટ કર્યું હતું કે પૂર્વોત્તર, પશ્ચિમ બંગાળ અને ઓડિશાનું રિઝલ્ટ આ વખતની લોકસભા ચૂંટણીઓમાં ચોંકાવનારું રહેશે.

બીજી બાજુ ભાજપના મીડિયા પ્રભારી અને રાજ્યસભાના સાંસદ અનિલ બલુનીએ કહ્યું હતું કે ગુરુવારે પશ્ચિમ બંગાળની જે પાંચ બેઠક પર વોટિંગ થયું તેમાંથી ચાર બેઠક પર ભાજપ જીતશે, સાથે તેમણે દાવો કર્યો છે કે તૃણમૂલ કોંગ્રેસ ભાજપના પક્ષમાં વહેતી હવાને જોઈને આવેશમાં આવી ગઈ છે અને તેમના કાર્યકર્તા ભાજપના કેડર્સ પ્રત્યે હિંસક બની ગયા હતા.

બલુનીએ આગળ કહ્યું હતું કે ઉત્તર પ્રદેશ અને બિહાર જેવાં રાજ્યમાં જ્યાં આપણે ૨૦૧૪નો ઈતિહાસ દોહરાવી રહ્યા છીએ ત્યાં પશ્ચિમ બંગાળ અને પૂર્વોત્તરમાં ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યા છીએ. આજના મતદાનના રુઝાન પણ ભાજપ તરફ છે અને તેનાં પરિણામ ચૂંટણી પંડિતોને પણ ચોંકાવી દેશે.

You might also like