એમ્બ્યુલન્સે અડધા રસ્તે છોડ્યાં, દીકરીની લાશ લઈને છ કિ.મી. ચાલ્યાં માતા-પિતા

મલકાનગિરિ: અોડિશાના કલાહાંડી જિલ્લામાં ફરી એકવાર સમાજ અને સિસ્ટમને શરમમાં મૂકે તેવી ઘટના સામે અાવી છે. જાણે કે માનવતાનું ‘રામ નામ સત્ય’ થઈ ચૂક્યું છે. કલાહાંડીમાં ફરી એકવાર માંજીની ઘટનાનું પુનરાવર્તન થયું છે. એક દંપતીઅે પોતાની સાત વર્ષની દીકરીની લાશ લઈને છ કિલોમીટર સુધી ચાલવું પડ્યું. કેમ કે લાશ લઈ જઈ રહેલી એમ્બ્યુલન્સે તેમને અડધા રસ્તે છોડી દીધાં. એમ્બ્યુલન્સના ડ્રાઈવરને જ્યારે જાણ થઈ કે છોકરી મલકાનગિરિ જિલ્લા હોસ્પિટલ લઈ જતી વખતે રસ્તામાં મૃત્યુ પામી છે તો તેને છોકરીનાં માતા-પિતાને અડધા રસ્તે એમ્બ્યુલન્સમાંથી ઊતરવાનું કહ્યું.

મલકાનગિરિમાં ઘુસાપલ્લીની વર્ષા ખેમુડુ એમ્બ્યુલન્સમાં મિથાલી હોસ્પિટલથી મલકાનગિરિ હોસ્પિટલ લઈ જતી વખતે મૃત્યુ પામી. તેના પિતા મુકુંદ ખેમુડુઅે કહ્યું કે ડ્રાઈવરને રસ્તામાં તેમની દીકરી મૃત્યુ પામી હોવાની જાણ થતાં તેણે અમને અડધા રસ્તે એમ્બ્યુલન્સમાંથી ઊતરી જવા કહ્યું. સ્થાનિક લોકોઅે ખેમુડુ અને તેની પત્ની તેમની પુત્રીની લાશ લઈને ચાલતા હતા અને પૂછપરછ કરી ત્યારે અા ઘટના પ્રકાશમાં અાવી.

ગ્રામીણોઅે ત્યારે લાશને તેમના ગામ લઈ જવા માટે અન્ય વાહન ઉપલબ્ધ કરાવવા સ્થાનિક બીડીઅો અને મેડિકલ અોફિસર્સનો સંપર્ક કર્યો. મલકાનગિરિના જિલ્લા કલેક્ટર કે. સુદર્શન ચક્રવતીઅે મુખ્ય જિલ્લા ચિકિત્સા અધિકારી ઉદયશંકર મિશ્રને અા ઘટનાની તપાસ કરવાના અાદેશ અાપ્યા છે. મિશ્રઅે ડ્રાઈવર અને એમ્બ્યુલન્સમાં હાજર રહેલા ફાર્માસિસ્ટ તેમજ એક સહાયક વિરુદ્ધ મલકાનગિરિ પોલીસ સ્ટેશનમાં એફઅાઈઅાર નોંધાવી છે.

પહેલા માંજી હવે મુકુંદ
મુકુંદ ખેમડુ પણ અાદિવાસી છે. થોડા દિવસ પહેલા એમ્બ્યુલન્સ ન મળવાના કારણે દાના માંજીઅે પોતાની પત્નીની લાશ લઈને ઘણા કિલોમીટર સુધી ચાલવું પડ્યું હતું. હૃદયને હચમચાવી નાંખનારી અા ઘટના અોડિશાની છે. જ્યાં છેલ્લાં ૧૬ વર્ષથી નવીન પટનાયકની સરકાર છે. હાલમાં દાના માંજીવાળી ઘટનામાં કેન્દ્ર સરકારે અોડિશા સરકાર પાસે રિપોર્ટ માગ્યો છે.

You might also like