એક જ વર્ષમાં યુવતીઅે કરેલી ત્રણ પોલીસ ફરિયાદમાં અલગ અલગ ઉંમર દર્શાવી

ઓઢવ પોલીસ સ્ટેશનમાં એક યુવક વિરુદ્ધમાં પોક્સો એક્ટ હેઠળ બળાત્કાર અને અપહરણની નોંધાયેલી ફરિયાદમાં પોલીસ અધિકારીઓ ભોગ બનનાર યુવતીની સાચી ઉમર શોધવા માટે ગોટે ચઢી છે. એક મહિના પહેલાં યુવતીના પ્રેમી વિરુદ્ધમાં ઓઢવ પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ દાખલ થઇ હતી જેમાં યુવતીની ઉમર ૧૬ વર્ષ ૧૦ મહિના લખાવી હતી ત્યારે દોઢ વર્ષ પહેલાં યુવતીએ તેના પતિ વિરુદ્ધમાં કરેલી ફરિયાદમાં ઉમર ૨૧ વર્ષની લખાવી હતી.

ઓઢવ વિસ્તારમાં આવેલ મહાકાળી નગરમાં રહેતી રમીલાબહેન નામની મહિલાએ તેની ૧૬ વર્ષ ૧૦ મહિનાની પુત્રી મીના ગુમ થવા અંગે તારીખ ૩૦-૧૧-૧૭ના રોજ ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. રાકેશ મકવાણા નામનો યુવક મીનાને પ્રેમ કરતાે હોવાથી તે ભગાડીને લઇ ગયો હોવાના રમીલાબહેને ફરિયાદમાં આક્ષેપ કર્યા હતા. પોલીસે આ મામલે બે દિવસ પહેલાં રાકેશ મકવાણાની ધરપકડ કરીને તેના વિરુદ્ધમાં પોક્સો એક્ટ હેઠળ બળાત્કારની કલમનો ઉમેરો કરીને તપાસ શરૂ કરી છે. પોલીસ તપાસમાં મીનાની ઉમરને લઇને અનેક સવાલો ઊભા થયા છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મીનાનાં જન્મના સર્ટીફિકેટના આધારે રાકેશ વિરુદ્ધમાં પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધી છે ત્યારે મીનાની ઉમર ૧૬ વર્ષ ૧૦ મહિના નહીં પરંતુ ૨૨ વર્ષની હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. મીનાએ ૨૦-૦૭-૧૬ના રોજ પોલીસ કમિશનરને તેનાં સાસરી પક્ષ વિરુદ્ધમાં ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ હેઠળ છેતરપિંડી, વિશ્વાસધાત અને દહેજ પ્રતિબંધ ધારા હેઠળ લેખિતમાં ફરિયાદ કરી હતી. જે ફરિયાદમાં મીનાએ તેની ઉમર ૨૧ વર્ષ બતાવી હતી.

ઓઢવ પોલીસે ફરિયાદના આધારે તપાસ કરીને મીનાનાં માતા પિતાનાં નિવેદનો લીધાં હતાં. જેમાં પણ તેની ઉમર ૨૧ વર્ષની લખાવી હતી. આ સિવાય ૦૫.૦૧.૨૦૧૭ના રોજ મીનાએ તેના મકાન માલિક વિરુદ્ધમાં જાનથી મારી નાખવાની ધમકી આપવાની ફરિયાદ ઓઢવ પોલીસ સ્ટેશનમાં કરી હતી જેમાં તેને તેની ઉમર ૨૨ વર્ષની લખાવી હતી.

રાકેશ મકવાણા વિરુદ્ધમાં રમીલાબહેને કરેલી ફરિયાદમાં મીનાની જન્મ તારીખ ૧૬ જાન્યુઆરી ૨૦૦૧ લખાવી છે ત્યારે મીનાના આધારકાર્ડમાં તેની જન્મ તારીખ ૦૧.૦૧.૧૯૯૬ હોવાનો ઘટસ્ફોટ થયો હતો. મીના તેમજ તેની માતાએ ઓઢવ પોલીસ સ્ટેશનમાં કરેલી ત્રણ વિવિધ ફરિયાદમાં મીનાની ઉમર અલગ અલગ દર્શવતા પોલીસ મૂંઝવણમાં મુકાઇ છે.

ઓઢવ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ચિરાગ ટંડેલે જણાવ્યું છે કે યુવતીના જન્મના સર્ટીફિકેટના આધારે રાકેશ વિરુદ્ધમાં પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ કરી છે ત્યારે એક વર્ષ પહેલાં યુવતીએ તેના સાસરી પક્ષ વિરુદ્ધમાં કરેલી ફરિયાદમાં તેની ઉમર ૨૧ વર્ષની છે માટે આ મામલે અમે યુવતીની સાચી ઉમર શોધવા માટે તપાસ શરૂ કરી છે. (યુવતી અને તેની માતાનું નામ બદલેલ છે)

You might also like