અોઢવમાં ડબલ મર્ડરઃ માતા-પુત્રની હત્યા કરી લાશ કોથળામાં બાંધી દીધી

અમદાવાદ: શહેરના ઓઢવ વિસ્તારમાં આવેલા અંબિકાનગરના એક મકાનમાં યુવાન પુત્ર અને તેની માતાની કોથળામાંથી લાશ મળતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. ઓઢવ પોલીસે ડબલ મર્ડર કેસમાં આરોપીને પકડવા માટે તપાસ શરૂ કરી છે. પોલીસે માતા-પુત્રની લાશને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપી છે, જ્યારે એફએસએલના અધિકારીઓની ટીમને પણ બોલાવવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ઓઢવ વિસ્તારમાં આવેલા અંબિકાનગરની બેલાપાર્ક સોસાયટીના એક બંધ મકાનમાં દુર્ગંધ મારતી હોવાનો પોલીસ કન્ટ્રોલમાં ફોન થયો હતો. ઘટનાને ગંભીરતાથી લઇ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. મકાનનું તાળું તોડી પોલીસે તપાસ કરતાં પાછળના ભાગે અાવેલી અોસરીમાં યુવાન પુત્ર અને તેની માતાની વિકૃત હાલતમાં લાશ કોથળામાં પેક કરેલી મળી આવી હતી. ઘટનાની જાણ ઉચ્ચ અધિકારીઓને થતાં તેઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં લાશ વિપુલ સુરેશભાઇ મોદી (ઉ.વ.ર૮) તેમજ તેની માતા કંચનબહેન સુરેશભાઇ મોદી (ઉ.વ.પપ) હોવાનું બહાર અાવ્યું છે.

પોલીસસૂત્રોના જણાવ્યા અનુસાર વિપુલ તેની પત્ની અને માતા કંચનબહેન સાથે છેલ્લા ઘણા સમયથી બેલાપાર્ક સોસાયટીમાં ભાડેથી રહે છે. મૃતક વિપુલ કઠવાડા ખાતે અાવેલી એક કંપનીમાં નોકરી કરતો હતો. વિપુલના લગ્ન દોઢ વર્ષ અગાઉ થયા હતા. જો કે વિપુલની પત્નીની પોલીસને મળી ન અાવતાં તે અંગે તપાસ શરૂ કરવામાં અાવી છે. છેલ્લા ત્રણ દિવસથી મકાનનો દરવાજો બંધ હતો.

ઓઢવ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એન.એલ. દેસાઇએ જણાવ્યું છે કે બંધ મકાન તપાસ કરતાં કંતાનના કોથળામાંથી માતા-પુત્રની વિકૃત લાશ મળી આવી છે જ્યારે પુત્રવધૂ ભેદી રીતે લાપતા છે. હાલ માતા-પુત્રની હત્યા કયા કારણસર કરવામાં આવી તે રહસ્ય હજુ સુધી અકબંધ છે. અાઈ ડિવિઝનના અેસીપી એસ. એસ. રઘુવંશીએ જણાવ્યું છે કે માતા-પુત્રની હત્યા કરી હત્યારાએ લાશને સગેવગે કરવાની કો‌િશશ કરી હતી, જોકે પકડાઇ જવાના ડરથી હત્યારાઓ લાશને ઘરમાં મૂકીને જ ફરાર થઇ ગયા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે ગત મહિને કૃષ્ણનગર વિસ્તારમાં આવેલા એક ફલેટમાં એક સગીર યુવતીની હત્યા કરી તેની લાશને કોથળામાં પેક કરી હત્યારાઓ ફરાર થઇ ગયા હતા. અોઢવ પોલીસ તેમજ ક્રાઈમ બ્રાન્ચની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને હાલમાં માતા-પુત્રની હત્યા કયા કારણોસર કરવામાં અાવી તે અંગેની તપાસ શરૂ કરવામાં અાવી છે.

મૃતક વિપુલની પત્નીની હજુ સુધી કોઈ ભાળ ન મળતાં શંકાની સોય તેના પર તકાઈ રહી છે. પારિવારિક કારણોસર હત્યા કરાઈ હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે.
http://sambhaavnews.com/

You might also like