ઓડ હત્યાકાંડમાં આજીવન કેદની સજા પામેલા ત્રણને નિર્દોષ છોડાયા

અમદાવાદ: વર્ષ ૨૦૦૨માં ગોધરાકાંડ બાદ સમગ્ર રાજ્યમાં ફાટી નીકળેલાં કોમી તોફાનો દરમિયાન આણંદના ઓડ ગામે સર્જાયેલા હત્યાકાંડમાં આજે હાઇકોર્ટ પોતાનો મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. આજીવન કેદની સજા પામેલા ત્રણ આરોપીઓને હાઈકોર્ટે નિર્દોષ છોડી મૂક્યા છે.

ત્યારે ૧૪ આરોપીઓની આજીવન કેદની સજા યથાવત રાખી છે. હત્યાની કોશિશમાં સ્પેિશ્યલ કોર્ટે પાંચ આરોપીઓને કરેલી સાત સાત વર્ષની સજાને હાઈકોર્ટે યથાવત રાખી છે.  ઓડ ગામમાં આવેલી પીરવાળી ભાગોળમાં ૨૩ લોકોને જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા.

જેમાં સ્પેશિયલ કોર્ટના જજ પૂનમસિંધે ૧૮ આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી હતી, ત્યારે પાંચ આરોપીઓને હત્યાની કોશિશ બદલ સાત વર્ષની સજા ફરમાવી હતી. તો બીજી તરફ ૨૩ આરોપીઓને શંકાનો લાભ આપીને નિર્દોષ છોડી મુક્યા હતા. સ્પેશિયલ કોર્ટે આપેલા ચુકાદા બાદ આરોપીઓએ તેમજ સરકારે હાઇકોર્ટમાં કરેલી અપીલ પર આજે જસ્ટીસ અકીલ કુરેશીનાં વડપણવાળી ખંડપીઠે પોતાનો ચુકાદો સંભળાવ્યો છે.

આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના ઓડ ગામે તા. ૧લી માર્ચ ૨૦૦૨ના રોજ સર્જાયેલા હત્યાકાંડમાં મુસ્લિમ પરિવારોના ૨૩ સભ્યોને જીવતા સળગાવી દઇને હત્યા કરવામાં આવી હતી.  આ ચકચારભર્યા કેસમાં આણંદના જિટોડિયા ખાતે એડિશનલ સેશન્સ જજ શ્રીમતી પૂનમસિંઘે તા. ૯મી એપ્રિલ ૨૦૧૨ના રોજ ૨૩ આરોપીઓને દોષિત જાહેર કર્યા હતા અને ૨૩ને નિર્દોષ શંકાનો લાભ આપીને છોડી મુક્યા હતા.

તા. ૧૨મી એપ્રિલ ૨૦૧૨ના રોજ સજા ફરમાવવાનું એલાન કર્યુ હતું. પૂનમસિંઘે હત્યાના ગુના બદલ ૧૮ આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી હતી જ્યારે પાંચ આરોપીઓને હત્યાની કોશિશ બદલ સાત સાત વર્ષની કેદની સજા કરી હતી.

ઓડ હત્યાકાંડના ચકાચારી કેસમાં સ્પેશ્યલ કોર્ટના જજ પૂનમસિંઘે સજા ફરમાવતો ચુકાદો આપ્યો હતો. અંદાજે ૧૨૫૨ પાનાના ચુકાદામાં બનાવનો ઘટનાક્રમ, ભોગ બનેલા મુસ્લિમ પરિવારોનાં પાંચ પુરુષ, નવ મહિલા, નવ સગીર વયનાં બાળકો, તેઓની સ્થિતિ, સીટનો તપાસ અહેવાલ, આરોપીઓની ભૂમિકા, તેઓની સંડોવણી અંગેના સાક્ષીઓ અને દસ્તાવેજી પુરાવાઓની વિગતો નોંધવામાં આવી છે.

આ હત્યાકાંડમાં આરોપીઓએ હાઇકોર્ટમાં સજાને પડકારતી અપીલ કરતી હતી ત્યારે સરકારે પણ આરોપીઓને વધુ સજા થાય તે માટેની અપીલ કરી હતી. જસ્ટીસ અકીલ કુરેશીની વડપણવાળી ખંડપીઠ તમામ પક્ષે દલીલો સાંભળીને આજે પોતાનો ચુકાદો સંભળાવતા આરોપી દિલીપ પટેલ, પૂનમ પટેલ અને નટુ પટેલને નિર્દોષ છોડી મૂક્યા છે.

આ ત્રણેય આરોપીઓને સ્પેશ્યિલ કોર્ટે આજીવન કેદની સજા કરી હતી. સ્પેશ્યિલ કોર્ટે ૧૮ આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી હતી. જેમાં એક આરોપીનું જેલમાં મોત થયું હતું. હાઈકોર્ટે આ કેસમાં સજા કાપી ચૂકેલા આરોપીઓને છોડી મૂકવા આદેશ કર્યો છે.

You might also like