દિલ્હીમાં આગામી ૧૫ એપ્રિલથી એકી-બેકી ફોર્મ્યુલાનો બીજો તબક્કો

નવી દિલ્હી : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે જણાવ્યું હતું કે દિલ્હીમાં આગામી ૧૫ એપ્રિલથી એકી-બેકી ફોર્મ્યુલાનો બીજો તબક્કો અમલી બનશે. જે ૩૦મી એપ્રિલ સુધી ચાલશે. જોકે, તેમણે સ્પષ્ટતા કરી હતી કે આ વ્યવસ્થાને કાયમી ધોરણે લાગુ પાડી શકાય નહીં.તેમણે જણાવ્યું હતું કે આ ફોર્મ્યુલાના અમલમાંથી કયા કયા વાહનોને છૂટ મળશે તે અંગેનો નિર્ણય બાદમાં લેવાશે. કેજરીવાલે જણાવ્યું હતું કે ૧થી ૧૫ જાન્યુઆરી સુધી યોજાયેલા પહેલા તબક્કાને મળેલા પ્રતિભાવને પગલે આ નિર્ણય લેવાયો છે.

અગાઉ આ ફોર્મ્યુલા હેઠળ એકી રજિસ્ટ્રેશન નંબર ધરાવતી કારોને  એક દિવસે અને બેકી નંબર ધરાવતી કારોને બીજા દિવસે રસ્તા પર દોડાવવાની મંજૂરી અપાઈ હતી. આ અગાઉ જોકે, તેમણે આ વ્યવસ્થાને કાયમી ધોરણે લાગુ પાડવાની શક્યતાને નકારી કાઢી હતી. સરકારે હાથ ધરેલા સર્વેનો ઉલ્લેખ કરીને કેજરીવાલે જણાવ્યું હતું કે દિલ્હીના ૮૧ ટકા લોકો એકી-બેકી ફોર્મ્યુલા ફરી અમલી બને તેવું ઈચ્છે છે. સરકારે ઈ-મેલ, મિસ્ડ કોલ, ઓનલાઈન ફોર્મ અને ઈન્ટરએક્ટિવ વોઈસ સિસ્ટમ દ્વારા લગભગ નવ લાખ લોકોનો સંપર્ક કર્યો હતો.

આ ફોર્મ્યુલાના અમલ દરમ્યાન અગાઉના તબક્કાની માફક એકલી ડ્રાઈવિંગ કરતી મહિલાને મુક્તિ અપાશે. તેવી જ રીતે ટુ વ્હીલરોને પણ અગાઉની માફક આ ફોર્મ્યુલાના અમલમાં છૂટ મળશે. તેમણે ઉમેર્યું હતું કે દિલ્હીમાં ૩૦થી ૪૦ લાખ ટુવ્હીલરો છે અને જો તેઓ બસો અથવા દિલ્હી મેટ્રોનો ઉપયોગ કરે તો તેને લીધે ધક્કામુક્કી સર્જાઈ શકે. તેમણે જણાવ્યું હતું કે આ ઉપરાંત આ ફોર્મ્યુલાના અમલમાંથી કયા કયા વાહનોને છૂટ મળશે તે અંગેનો નિર્ણય બાદમાં લેવાશે.

દિલ્હીમાં સીબીએસઈની પરીક્ષા બાદ તેને લાગુ કરવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે આ ફોર્મ્યુલા ૧૫ દિવસ અમલી બનાવાયા બાદ ફરી તેની સમીક્ષા કરવામાં આવશે. આ વખતે સેનાના ૫૦૦ નિવૃત્ત અધિકારીઓને તૈનાત કરવામાં આવશે જેઓ ટ્રાફિકની અવરજવરની વ્યવસ્થા સંભાળશે. એટલું જ નહીં દિલ્હી સરકાર ૫૫૦૦ ખાનગી બસોને લાવવાના પણ પ્રયાસ કરી રહી છે.

You might also like