અોડ-ઇવનનો અાઇડિયા કેન્સલ, ટ્રાફિક દશ ટકા અોછો કરવાનું પ્લાનિંગ

અમદાવાદ: દિલ્હીની જેમ અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યાના ઉકેલ માટે અોડ-ઇવન ફોર્મ્યુલાને અપનાવવા ભાજપના શાસકો તૈયાર નથી. શાસક પક્ષ અોડ-ઇવન ફોર્મ્યુલાને બદલે શહેરનો ટ્રાફિક દશ ટકા અોછો કરવા જશે.

તાજેતરમાં વહીવટીતંત્રે દિલ્હીની અોડ-ઇવન ફોર્મ્યુલાનો અમલ અમદાવાદમાં કરવાની દિશામાં સક્રિયતા દાખવી હતી. વાહનોના રજિસ્ટ્રેશન નંબરના છેલ્લા અાંકડા મુજબ સોમવારથી શુક્રવાર જે તે વાહનને રોડ પર મૂકવા પર પ્રતિબંધ લાદવા તંત્રે વિચારણા હાથ ધરી હતી.

જોકે શહેરના ભાજપના શાસકોને મ્યુનિ. સત્તાવાળાઅોની અોડ-ઇવન ફોર્મ્યુલામાં મુદલેય રસ નથી. કેમ કે શાસકો માને છે કે અમદાવાદમાં દિલ્હી જેટલો ટ્રાફિક નથી. અમદાવાદમાં દિલ્હી જેટલું વાયુ પ્રદૂષણ નથી એટલે ટ્રાફિક સમસ્યાને હલ કરવા દિલ્હીની અોડ-ઇવન ફોર્મ્યુલા અમદાવાદમાં લાગુ કરવાની જરૂર નથી. અોડ-ઇવન ફોર્મ્યુલાથી ૫૦ ટકા ટ્રાફિક પર પ્રતિબંધ મુકાય છે. જોકે ૫૦ ટકા ટ્રાફિકને બદલે ૧૦ ટકા ટ્રાફિક પણ અોછો થવા પર લોકોને ભારે રાહત મળે તેમ છે.

અમદાવાદમાં ૧૦ ટકા ટ્રાફિક અોછો કરવા માટે સત્તાધીશો ટ્રાફિક અવેરનેસ પર ખાસ ભાર મૂકવા જઈ રહ્યા છે. નાગરિકો માટે ટ્રાફિકના નિયમોની જવાબદારી ટ્રાફિક પોલીસ સંભાળશે જ્યારે કોર્પોરેશન શહેરીજનોમાં ટ્રાફિક અવેરનેસ ઊભી કરશે. ટૂંક સમયમાં શહેરના શાસકો અને ટ્રાફિક પોલીસ વચ્ચે અા સંદર્ભમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજાશે. અા બેઠકમાં અમદાવાદના રસ્તાઅો પરથી દૈનિક દશ ટકા ટ્રાફિક અોછો કરવાની દિશામાં અાગેકૂચ કરાશે.

કાર પુલિંગ પર ભાર મુકાશે
અમદાવાદના ભીડભાડવાળા રસ્તાઅો પરથી દશ ટકા ટ્રાફિકને અોછો કરવા માટે ભાજપના શાસકો કાર પુલિંગ પ્રયોગ પર ભાર મૂકશે. કોઈ એક જગ્યાઅે પહોંચવા ચાર વ્યક્તિ પોતપોતાની કાર લઈને પહોંચે તેના બદલે એક જ કારનો ઉપયોગ કરે તેને મહત્વ અપાશે અેટલે રસ્તા પરથી અાપોઅાપ ત્રણ કારનો ટ્રાફિક અોછો થશે.

માસ ટ્રાન્સપોર્ટેશનને વધુ મહત્વ અપાશે
અામ તો અમદાવાદમાં અન્ય મેટ્રો શહેરની જેમ લોકલ ટ્રેનની સુવિધા નથી. પરંતુ હયાત એએમટીઅેસ અને બીઅારટીઅેસ જેવી માસ ટ્રાંસપોર્ટેશનની વ્યવસ્થાનો વધુ ને વધુ ઉપયોગ કરવા લોકોને પ્રેરિત કરાશે. મેટ્રો રેલવે પણ દોઢેક વર્ષમાં નાગરિકોને અમુક અંશે ઉપયોગી બનશે. અામ હાલની ખાસ ટ્રાંસપોર્ટેશનની વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવીને શહેરીજનોને તેના તરફ અાકર્ષિત કરવામાં અાવશે.

શાળા-કોલેજો, સરકારી-અર્ધસરકારી સંસ્થાઅોમાં ‘કાર ફ્રી ડે’ અભિયાન
શહેરની સરકારી શાળાઅો, ખાનગી શાળાઅો, કોલેજો, ગુજરાત યુનિવર્સિટી જેવી સરકારી-અર્ધસરકારી સંસ્થાઅોના સ્ટાફને મહિનામાં એક દિવસ અથવા તો અઠવાડિયામાં એક દિવસ ‘કાર ફ્રી ડે’નો સંકલ્પ લેવડાવવા માટે તૈયાર કરાશે.

ટ્રાફિક અવેરનેસની ટૂંકી ફિલ્મ બાળકોને બતાવવામાં અાવશે
એક ખાનગી કંપનીઅે ટ્રાફિક અવેરનેસને લગતી એક-એક મિનિટની બાવીસ ટૂંકી ફિલ્મ બનાવી છે. ગઈ કાલે સાંજે અા તમામ ફિલ્મોનું શાસકો સમક્ષ પ્રેઝન્ટેશન કરાયું હતું. જે પૈકીની કેટલીક ફિલ્મને છણાવટ બાદ અલગ તારવીને શાળા-કોલેજોના વિદ્યાર્થીઅોને બતાવવામાં અાવશે. જેમાં ચાલુ વાહને ફોન પર વાત કરતા સર્જાતા જીવલેણ અકસ્માતો જેવી માહિતીપ્રદ માહિતીના અાધારે યુવા વર્ગમાં ટ્રાફિક અવેરનેસ ઊભી કરાશે.

You might also like