નાના ચિલોડામાંથી ગેરકાયદે ઈન્ટરનેશનલ કોલ સેન્ટર ઝડપાયું

અમદાવાદ: શહેરના નાના ચિલોડા વિસ્તારમાં આવેલ એક લક્ઝુરિયસ બંગલોઝમાં ચાલતા ઇન્ટરનેશનલ કોલ સેન્ટરનો પર્દાફાશ નરોડા પોલીસે કરતાં ચાર યુવકોને બે લેપટોપ તથા મે‌િજક જેક સહિત ઝડપી પાડ્યા છે. લેન્ડી કલબ નામની કંપનીની આડમાં ચારેય યુવકો વિદેશી નાગ‌િરકોને લોન તેમજ અલગ અલગ લોભામણી લાલચો આપીને ઠગાઇ કરતા હતા. પોલીસે તમામ યુવકોની ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે મેઘાણીનગર પોલીસે થોડાક દિવસ પહેલાં બંગલા એરીયામાં આવેલા એક મકાનમાં ચાલતા કોલ સેન્ટરનો પર્દાફાશ કરીને એક આરોપીની ૮૪ લાખની રોક્ડ સાથે ધરપકડ કરી હતી.

નરોડા પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્કવોડમાં પીએસઆઇ અને તેમની ટીમને બાતમી મળી હતી કે નાના ચિલોડા વિસ્તારમાં આવેલ વૃંદાવન બંગલોમાં ગેરકાયદે કોલ સેન્ટર ચલાવીને વિદેશી નાગ‌િરકો સાથે લાખો રૂપિયાની ઠગાઇ કરી આચરી રહ્યો છે.

મોડી રાતે પોલીસે દરોડા પાડીને હર્ષ જિજ્ઞેશભાઇ પટેલ, મહેન્દ્ર ઉર્ફે મોન્ટુ ચાવડા, નીરજ ઉર્ફે નીરવ પટણી અને ધ્રુવ ઉર્ફે બીટ્ટુ પટેલની રંગે હાથ ધરપકડ કરી હતી. પોલીસે બંગલોઝમાંથી વિદેશી નાગ‌િરકોનાં નામ-નંબરના ડેટા તેમજ લેપટોપ હાર્ડ ‌િડસ્ક, મે‌જિક જેક મળી આવ્યાં છે.

ચારેય જણા વિદેશી નાગ‌િરકોને લોન આપવાનું તેમજ અલગ અલગ સ્કીમો બતાવીને છેતરતા હતા. પોલીસસૂત્રોના જણાવ્યા અનુસાર ચારેય જણા પહેલાં કોલ સેન્ટરમાં કામ કરતા હતા અને ત્યારબાદ તેણે પોતે કોલ સેન્ટર શરૂ કર્યું હતું. અન્ય નામની કંપનીની આડમાં ચારેય આરોપીઓ ઇન્ટરનેશનલ કોલ સેન્ટર ચલાવતા હતા.

You might also like