ખાનગી ક્ષેત્રમાં ઓબીસીને ર૭ ટકા અનામત આપવા ભલામણ

નવી દિલ્હી: એક સરકારી પેનલે ખાનગી ક્ષેત્રની નોકરીઓમાં અન્ય પછાત વર્ગો (ઓબીસી)ના ઉમેદવારો માટે ર૭ ટકા અનામત આપવાની ભલામણ કરી છે. રાષ્ટ્રીય પછાત વર્ગ નિગમે આ સંદર્ભમાં એક કાયદો પસાર કરવાનું પણ સૂચન કર્યું છે. સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય હેઠળ વૈધાનિક સંસ્થા એનસીબીસીએ ખાનગી ક્ષેત્રના બિઝનેસ, હોસ્પિટલ, સ્કૂલ, ટ્રસ્ટ વગેરે સંબંધિત સાહસોની નોકરીઓમાં ઓબીસી ઉમેદવારોને અનામત આપવા ભલામણ કરી છે. પંચે લઘુમતી મંત્રાલય અને મહેકમ તેમજ તાલીમ વિભાગને આ અંગે પત્ર લખ્યો છે.

આ સંદર્ભમાં સામાજિક ન્યાય અને અધિકારીતા પ્રધાન થાવરચંદ ગેહલોતે જણાવ્યું છે કે આ માટે એક સત્તાવાર સમિતિની રચના કરવામાં આવી છે. આ સંદર્ભમાં શું કરી શકાય તે માટે આ સમિતિ ઉદ્યોગપતિઓ અને કોર્પોરેટ જગતના વડાઓનો સંપર્ક કરી રહી છે. ગેહલોતે જણાવ્યું હતું કે આ મુદ્દા પર ચર્ચા માટે સમયાંતરે સમિતિની બેઠકો થતી રહે છે. આ માટે વાતાવરણ ઊભું થતું દેખાતું નથી અને તેથી આ ભલામણનો અમલ કરવો શકય નહીં બને એમ લાગી રહ્યું છે.

You might also like