OBC વસ્તીગણતરીનું લોલીપોપઃ મોદી સરકારનો માહેર ચૂંટણીવ્યૂહ

વસ્તીગણતરીમાં બેકવર્ડ સમુદાય સાથે સંકળાયેલા આંકડા સામેલ કરવાની માગણી સ્વીકારીને સરકારે અનામતની વ્યવસ્થાને વધુ નક્કર અને હકીકતલક્ષી આધાર પૂરો પાડવા માટે માર્ગ મોકળો કરી દીધો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ૧૯૩૧ બાદ દેશમાં એવી કોઇ વસ્તીગણતરી થઇ નથી, જેમાં જ્ઞાતિ કેે જાતિ સંબંધિત ડેટાનો સમાવેશ કરવામાં આવ્યો હોય.

જ્યારે વી.પી.સિંહ સરકારે મંડલ આયોગની ભલામણ અનુસાર ઓબીસી માટે ર૭ ટકા અનામતની વ્યવસ્થા કરી હતી ત્યારથી એવો સવાલ ઉઠાવવામાં આવી રહ્યો છે કે આખરે આ અનામત મર્યાદા કયા આધારે નક્કી કરવામાં આવી છે. આ અનિશ્ચિતતાને મુદ્દો બનાવીને ઓબીસી સમુદાય તરફથી એવી માગણી કરવામાં આવી રહી હતી કે વસ્તીગણતરીમાં જાતિ સંબંધિત ડેટા એકત્ર કરવામાં આવે.

આ સમુદાયોનો દાવો છે કે તેમની સંખ્યા કુલ વસ્તીના પ૦ ટકાથી વધુ છે અને આ દૃષ્ટિએ ર૭ ટકા અનામત ઘણી ઓછી છે. આ માગણીઓની અસરમાં ગત યુપીએ સરકારના આદેશ અનુસાર ર૦૧૧-૧૩ દરમિયાન સામાજિક-આર્થિક જાતિના આધારે વસ્તીગણતરી કરવામાં આવી હતી, પરંતુ તેના આંકડા હજુ સુધી જાહેર કરવામાં આવ્યા નથી.

તેનું એક કારણ એ પણ છે કે જાતિ સંબંધિત આ આંકડા એટલા જ‌ટિલ અને વૈવિધ્યપૂર્ણ છે કે તેમનું વર્ગીકરણ કરવું શક્ય જણાતું નથી, તેમાં ૪૬ લાખ પ્રકારની જાતિઓ અને પેટાજાતિઓ બતાવવામાં આવી છે. અનામતનું ભૂત જોરશોરથી ધૂણી રહ્યું છે ત્યારે મોદી સરકારે ધૂણતા ભૂતને શાંત પાડવાના પ્રયાસમાં વસ્તીગણતરી કરીને ઓબીસી (અધર બેકવર્ડ ક્લાસ)નો ડેટા મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો છે.

અનામતના નામે હાલ જે કંઈ પણ તાંડવ થઈ રહ્યાં છે એનો માર્ગ કાઢવો સરકાર માટે અનિવાર્ય બની રહ્યો હતો. સરકારે વિચાર્યું કે માથે ચૂંટણી તોળાઈ રહી છે. અનામત માગનારા દલિતો કે અન્યના મત વિના મેળ ન પણ પડે અથવા ચૂંટણી જીતવાનું કપરું પણ બની શકે એમ હતું.

બધાં આવીને અનામતની માગણી કરે તો એમને કેમ કરી સંભાળવા. સરકાર અનામતની માગણીનો સ્વીકાર કરી ન શકે અને ના પાડે તો તેઓ નારાજ થાય. ચૂંટણીનું રણશિંગુ વાગતું હોય ત્યારે કોઈને નારાજ કરવાનું સરકારને પોસાય તેમ નથી. આમ, સરકાર માટે સાપે છછૂંદર ગળ્યા જેવી સ્થિતિ સર્જાઇ હતી.

સરકારે ગણતરીપૂર્વકનાં પગલાંમાં ઓબીસીનો ડેટા મેળવવા માટે સ્વતંત્ર ભારતમાં પહેલી વાર વસ્તીગણતરી-ર૦ર૧ની ઘોષણા કરી દીધી છે. સ્વતંત્ર ભારતમાં પહેલી વાર આ વસ્તીગણતરી એટલા માટે છે, કારણ કે અગાઉ છેક ૧૯૩૧માં વસ્તીગણતરી કરીને જાતિ સંબંધિત ડેટા એકત્ર કરાયો હતો અને એ ૧૯૩૧ની વસ્તીગણતરીના ડેટાના આધારે જ અગાઉની વી.પી. સિંહ સરકારે મંડલપંચની ભલામણના આધારે ર૭ ટકા અનામતની જાહેરાત કરી હતી.

વારંવાર અનામતની માગણીઓ થવા લાગી હતી તેમજ સમયાંતરે માગણીઓ જોર પકડવા લાગી હતી. મૂળ મુદ્દો સરકાર માટે એ હતો કે અનામત આપવી તો કયા આધારે, કયા બેઝ પર. આ મામલાે કોર્ટમાં જવા લાગતાં સર્વોચ્ચ અદાલતે પણ આમ જ કહ્યું કે ઓબીસીના આંકડા જેવો કોઈ એવો આધાર હોવો જોઈએ, જેના આધારે અનામતની માગણીને યથાર્થ ઠરાવી શકાય અને ન્યાય આપી શકાય.

હવે આવે છે મૂળ વાત. મોદી સરકારે ઓબીસીની વસ્તીગણતરીનો મૂળ તંતુ પકડી લઈને વસ્તીગણતરીની જાહેરાત કરી દીધી. અલબત્ત, બધું પ્લાન કરીને. વસ્તીગણતરીનું કામ શરૂ કરીને તેને અંજામ આપવામાં આવે તે પહેલાં ર૦૧૯ની ચૂંટણીઓ આવી જશે.

ભારતીય જનતા પાર્ટી (ભાજપ) આ મુદ્દો સૌ કોઈના ગળે ઉતારી દેશે કે અમે ક્યાં ના પાડી અનામત આપવાની. વસ્તીગણતરીનું પરિણામ આવી જવા દો, એમાં તમારી ટકાવારી જોઈ લેવા દો, પછી આપીશું. આને કહેવાય લૉલીપૉપ.

અનામત આંદોલનકારો જે રાજ્યના હોય ત્યાંના-આશામાં ને આશામાં ચૂંટણીમાં સાથ-સહકારની સાથે મત પણ આપશે જ. ગુજરાતની ચૂંટણીમાં પાટીદારોનાં પાટુ ખાઈ ચૂકેલા ભારતીય જનતા પક્ષને એટલું તો સમજાઇ ગયું કે આવું આવતા વર્ષની ચૂંટણીમાં પણ બની શકે એટલે એ ભૂતને ધૂણતું બંધ કરવા વસ્તીગણતરીના ડાકલા વગાડવા જરૂરી છે.

હવે મોદી સરકારે કદાચ આને વ્યૂહરચના તરીકે આગળ કરીને આગામી ચૂંટણીમાં મત અંકે કરી લેવાનું નક્કી કર્યું હોય એમ લાગે છે. વ્યૂહરચનામાં માહેર મોદીનાં પાસાં સવળાં જ પડતાં આવ્યાં છે. ર૦ર૧ની વસ્તીગણતરીનો દાવો કેવું પરિણામ લાવશે એ કદાચ સમય જ કહી શકે.

You might also like