ફ્રાન્સ IS સામે યુદ્ધે ચડ્યું છેઃ ઓલાન્દેનો લલકાર

પેરિસ: ત્રાસવાદી સંગઠન આઈએસઆઈએસનો સંપૂર્ણ ખાતમો અને સફાયો કરવાના શપથ લેતાં ફ્રાંસના રાષ્ટ્રપ્રમુખ ફ્રાંસવા ઓલાન્દે અમેરિકા અને રશિયા સાથે વૈશ્વિક ગઠબંધન બનાવવાની અપીલ કરી છે.

પોતાના દેશમાં ત્રાસવાદ સામે લડવા માટે અનેક પગલાંઓ ભરવાની જાહેરાત કરીને ઓલાન્દેએ જણાવ્યું છે કે ફ્રાન્સ હવે આઈએસઆઈએસ સામે યુદ્ધે ચડ્યું છે. બીજી બાજુ પેરિસના આતંકી હુમલાને વખોડી કાઢતા અમેરિકી પ્રમુખ બરાક ઓબામાએ જણાવ્યું હતું કે ત્રાસવાદી સંગઠન આઈએસઆઈએસને દુનિયામાં છુપાવવાની ક્યાંય સુરક્ષિત જગ્યા નહીં મળે.

દરમિયાન અમેરિકાનાં વડપણ હેઠળના સંયુક્ત દળોનાં યુદ્ધ વિમાનોએ સિરિયામાં ત્રાસવાદી સંગઠન આઈએસઆઈએસ પર હુમલા શરૂ કરી દીધા છે અને આઈએસઆઈએસના ગઢ સમા રાકા તેમજ અન્ય અડ્ડાઓ પર બોમ્બમારો કરવા ઉપરાંત એક અન્ય હુમલામાં સંયુક્ત દળોએ ઓઈલનાં ડઝન જેટલાં ટેન્કરોને નિશાન બનાવ્યાં છે. ઓલાન્દેએ જણાવ્યું હતું કે ફ્રાન્સ હવે સિરિયામાં પોતાનું અભિયાન ઝડપી બનાવશે અને આગામી સપ્તાહમાં પણ હુમલાઓ ચાલુ રહેશે.

અમેરિકાના પ્રમુખ બરાક ઓબામા જોકે ત્રાસવાદીઓ વિરુદ્ધ લશ્કરી દળોને મેદાનમાં નહીં ઉતારવાની રણનીતિને વળગી રહ્યા છે. ઓબામાએ જણાવ્યું હતું કે અમેરિકાનાં વડપણ હેઠળ આઈએસઆઈએસના અડ્ડાઓ પર હવાઈ હુમલા અસરકારક સાબિત થઈ રહ્યા છે એવા સંજોગોમાં સિરિયાની જમીન પર મેદાની દળો ઉતારવા એ એક ભૂલ રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે આઈએસઆઈએસ તાજેતરમાં પેરિસ પર એક સાથે અનેક સ્થળોએ હુમલા કરીને ૧૫૮થી વધુ લોકોને મોતને ઘાટ ઉતારી દીધા હતા. તેના જવાબમાં હવે ફ્રાન્સ સહિત સંયુક્ત દળોએ આઈએસઆઈએસના અડ્ડાઓ પર હુમલા ચાલુ કરી દીધા છે.

ફ્રાન્સના પ્રમુખ ઓલાન્દેએ જણાવ્યું હતું કે તેઓ આગામી સપ્તાહમાં અમેરિકાના પ્રમુખ બરાક ઓબામા અને રશિયાના પ્રમુખ વ્લાદિમિર પુતિનને મળશે અને આઈએસઆઈએસ વિરુદ્ધ અભિયાન વધુ જોરદાર બનાવીને વધુ સાધનો કામે લગાડવા અપીલ કરશે.

દરમિયાન ફ્રાન્સે પેરિસ હુમલાનું કાવતરું ઘડનાર માસ્ટર માઈન્ડને ઓળખી લીધો છે અને પેરિસ હુમલાના સંદર્ભમાં અત્યાર સુધીમાં સંખ્યાબંધ ધરપકડ કરવામાં આવી છે. ફ્રાન્સના પ્રમુખ ઓલાન્દેએ આઈએસઆઈએસ વિરુદ્ધ અભિયાન વધુ ઝડપી બનાવવા સંયુક્ત રાષ્ટ્ર સંઘની સુરક્ષા સમિતિની એક બેઠક તાત્કાલિક બોલાવવા માગણી કરી છે.

અમેરિકા અને યુરોપ પર પણ હુમલો કરવાની અાઈએસની ધમકી
આઈએસએ ધમકી આપતો એક નવો વીડિયો જારી કર્યો છે. આ વીડિયોમાં આઈએસએ અમેરિકા, પશ્ચિમના યુરોપ સહિતના હુમલો કરવાની ધમકી આપી છે. આઈએસઆઈએસે પોતાની ધમકીમાં જણાવ્યું છે કે સિરિયામાં તેની વિરુદ્ધ હુમલા કરી રહેલા દેશોની હાલત તાજેતરમાં ફ્રાન્સની જે હાલત થઈ હતી તેવી થશે. આઈએસઆઈએસે જણાવ્યું છે કે હવે તેમનું આગામી નિશાન વોશિંગ્ટન છે.

You might also like