શપથવિધિ સમારંભમાં ધારાસભ્યો અને અધિકારીઓને પ્રવેશ મેળવવામાં મુશ્કેલી

મુખ્યપ્રધાન સહિતના પ્રધાનમંડળની શપથવિધિમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને આમંત્રિતો ઉમટી પડ્યા હતા. મોટી સંખ્યામાં ભીડને લઇને ધારાસભ્યોને પણ પ્રવેશ મેળવવામાં તકલીફ ઊભી થઇ હતી.

આમંત્રિતોની ભીડ મોટા પ્રમાણમાં વધી જતાં નીમાબહેન આચાર્ય, બાબુ બોખીરિયા, શંભુજી ઠાકોર સહિતના અનેક ધારાસભ્યોને દરવાજે ઊભા રખાયા હતા. તેમના સ્થાને જતાં રોકીને પ્રવેશ દ્વારે ઊભા રાખી દેવાયા હતા. કેટલાક અધિકારીઓ અને ધારાસભ્યોને પ્રવેશ મળ્યો ન હતો. સાબરમતીના ધારાસભ્ય અરવિંદ પટેલ પણ પ્રવેશ દ્વારે જ ભીડમાં રહી ગયા હતા. જોકે પાછળથી તેમને પ્રવેશ મળ્યો હતો.

વડા પ્રધાન મોદી શપથવિધિ સમારોહમાં ઉપસ્થિત થયા તે પહેલાં તેઓ સીધા સંતો બિરાજમાન હતા તે મંચ પર પહોંચ્યા હતા અને સંતોના આશીર્વાદ લીધા હતા.

રાજ્યપાલ ઓ.પી. કોહલી સ્ટેજ પર આવ્યા ત્યાર બાદ રાષ્ટ્ર ગાન માટે વિશાળ સમુદાય આદર સાથે ઊભો થયો હતો પરંતુ રાષ્ટ્રગીત આખું નહીં વગાડતાં શરૂઆત અને છેલ્લી લીટી સાથે પૂરું કરાતાં તમામની આંખ અચંબામય બની હતી.

You might also like