માણેકચોક નહીં બદલાય કરોડોનો પ્રોજેક્ટ પડતો મુકાયો

અમદાવાદઃ અમદાવાદીઓનાં પ્રિય માણેકચોકનું ખાણીપીણી બજાર વર્ષોથી પરંપરાગત રીતે લોકોને આકર્ષિત કરે છે. આ ખાણીપીણી બજારની આગવી ઓળખ છે બહારગામથી આવતા મુલાકાતીઓ, એનઆરઆઇ વગેરેમાં ખાણીપીણી બજારની લોકપ્રિયતા આજે પણ અકબંધ છે. પરંતુ હવે આ ખાણી પીણી બજાર ‘જેવું છે તેવું’ જળવાઇ રહેવાનું છે. કેમ કે માણેકચોક સહિત પાનકોરનાકાથી ફર્નાન્ડિઝ બ્રિજ સુધીના વિસ્તારને ડેવલપ કરવાનો કરોડો રૂપિયાનો પ્રોજેક્ટ મ્યુનિસિપલ કોર્પોરેશને પડતો મૂકયો છે.

શહેરના હાર્દ સમાન માણેકચોકની કાયાપલટ કરવા મ્યુનિસિપલ કોર્પોરેશન અને વર્લ્ડ રિસોર્સીસ ઇન્સ્ટિટ્યૂટ ઇન્ડિયા-એમ્બાર્ક વચ્ચે ગત તા.૭ ફેબ્રુઆરી, ર૦૧૪એ એમઓયુ થયા હતા. એમ્બાર્ક સંસ્થાએ માણેકચોક વિસ્તારમાં ટ્રાફિક, પ્રદૂષણ, સ્થાનિક લોકો-વેપારીઓને સાંકળતો એક વિસ્તૃત અહેવાલ તૈયાર કર્યો હતો. તંત્ર દ્વારા એમ્બાર્કના અહેવાલને જૂન-ર૦૧૬ના પ્રારંભમાં કોર્પોરેશનની સત્તાવાર વેબસાઇટ www.ahmedabad.city.gov.in પર મુકાતાં એક મહિના સુધી નાગરિકો પાસેથી વાંધા-સૂચનો મગાવાયાં હતાં. જેના આધારે સત્તાવાળાઓ અંતિમ અહેવાલ તૈયાર કરીને નવેમ્બર ર૦૧૬ સુધીમાં પ્રોજેકટ ટેન્ડર બહાર પાડવાનાં હતાં. જોકે માણેકચોકની કાયાપલટનો પ્રોજેકટ પડતો મુકાયો છે.

માણેકચોકની કાયાપલટના પ્રોજેકટ હેઠળ ત્રણ દરવાજા પાસેના પાનકોર નાકાથી લઇને ફર્નાન્ડીઝ બ્રિજ સુધીના વિસ્તારને આવરી લેવાયો હતો. માણેક બાવાનું મંદિર, જુમ્મા મસ્જિદ, રાજા અને રાણીના હજીરા, મુહૂર્ત પોળ, જૂનું શેરબજાર, સાંકડી શેરી રોશનીથી ઝળહળી ઊઠવાનાં હતાં. પાર્કિંગની સમસ્યા નિરાકરણ માટે તંત્ર બિનવપરાશના ત્રણ પ્લોટનો વપરાશ કરવાનો હતો. પ્રથમ તબક્કાની કામગીરી પાછળ રૂ.પ૦ કરોડ ખર્ચવાના હતા. જોકે ભદ્ર પ્લાઝા પ્રોજકેટના કડવા અનુભવ બાદ મ્યુનિસિપલ સત્તાવાળાઓએ આ પ્રોજકટને પડતો મૂકયો છે.

એમ્બાર્કના અહેવાલ મુજબ માણેકચોકમાં દરરોજ એક લાખ લોકોની અવરજવર રહે છે અને મધ્ય વિસ્તારનો રોજના ત્રીસ હજાર રાહદારીઓ ઉપયોગ કરે છે. માણેકચોકના મધ્ય વિસ્તારમાંથી કુલ ટ્રાફિકનો સિત્તેર ટકા ટ્રાફિક અવરજવર હેતુ વપરાશ કરતો હોઇ લગભગ એંશી ટકા વાહનો ત્રણ કે તેથી ઓછા કલાકો માટે પાર્કિંગ કરાય છે. પાંચસોથી વધુ ફેરિયાઓ રોજ માણેકચોકમાં ધંધાર્થે આવતા હોઇ ફેરિયાઓ ૧૧ ટકા ભાગનો ઉપયોગ કરે છે. રપ ટકા ભાગ પાર્કિંગમાં વપરાય છે પરંતુ ૧૯ ટકા ભાગ ખરાબ ફૂટપાથ વગેરેમાં વેડફાતાે હોઇ નાગરિકો માટે માણેકચોક આકર્ષક અને સર્વગ્રાહી સાર્વજનિક સ્થળ બનવાનું હતું.

સ્થાનિક લોકોને અવાજ તથા હવાનું ઓછું પ્રદૂષણ ફેરિયાઓને વધુ સારા રસ્તાં શૌચાલય અને વીજળીની સુવિધા, દુકાનદારોને ગ્રાહકો સાથે સુલભ સંપર્ક અને મુલાકાતીઓને ખરીદી માટે સલામત જગ્યા, વાહનચાલકોને સુસંગત રસ્તો અને પર્યાપ્ત પાર્કિંગ વ્યવસ્થા ઊભી થવાની હતી. માણેક બાવાના નામથી ઓળખાતું માણેકચોક તેનાં ટ્રાફિકનાં દબાણ, લારી ગલ્લાનાં દબાણ, અવાજ અને હવાનાં પ્રદૂષણ માટે એટલું જ જાણીતું હોઇ કોર્પોરેશને તેનાં કાયાપલટનો પ્રોજેકટ હાથ ધર્યો હતો.

દરમિયાન ભદ્ર પ્લાઝા પ્રોજેકટ પાછળ મ્યુનિસિપલ તિજોરીમાંથી ઓછામાં ઓછા રૂ.૩ર કરોડ ખર્ચાયા છે. નગરદેવી ભદ્રકાળી માતા મંદિરથી છેક ત્રણ દરવાજા સુધીના વિસ્તારને નયનરમ્ય તો બનાવી શકાયો છે પરંતુ પાથરણાંવાળા દબાણ સામે સત્તાધીશો લાચાર બન્યા છે. તાજેતરમાં એએમટીએસના શાસકો લાલ દરવાજાથી ભદ્રકાળી મંદિરથી ગાંધી રોડ થઇ કાલુપુર સુધી ઉતારુઓને મફત પ્રવાસ કરાવનારી બાલા હનુમાન એક્સપ્રેસ બસ દોડાવવાની જાહેરાત કરાઇ છે પરંતુ તેમાં પણ દબાણો દૂર થયા બાદ જ ‘બાલા હનુમાન એક્સપ્રેસ’ બસ દોડાવી શકાશે તેવી સત્તાધીશોએ જાહેરમાં લાચારી પણ વ્યક્ત કરી છે!

માણેકચોકની કાયાપલટ કરવા આનુર કોર્પોરેશન સત્તાવાળાઓએ ભદ્ર પ્લાઝા પ્રોજેકટના કડવા અનુભવ બાદ પીછેહઠ કરવાની ફરજ પડી છે. જો કે મ્યુનિસિપલ હેરિટેજ વિભાગના એક ઉચ્ચ અધિકારી તંત્રનો લૂલો બચાવ કરતા કહે છે ‘માણેકચોકની કાયાપલટની ડિઝાઇનમાં ભદ્ર પ્લાઝાના પ્રોજેકટના પાથરણાંવાળાંના અનુભવના આધારે વ્યાપક ફેરફાર કરવાની વિચારણા ચાલે છે. જો કે હાલના તબક્કે તો માણેકચોક પ્રોજેકટ ગતિમાં નથી.

http://sambhaavnews.com/

You might also like