હે ભગવાન, તમે મને બચાવી લીધી: કંગના રાણાવત

દમદાર અભિનયથી બોલિવૂડમાં એક અલગ ઓળખ બનાવવા ઉપરાંત કંગના રાણાવત પોતાના નેચર માટે પણ જાણીતી છે. મોઢા પર કહી દેવાની આદતના કારણે તે ઘણી વાર વિવાદોમાં પણ પડી ચૂકી છે. કંગના પાસે સવાલોના જવાબ હંમેશાં બિનધાસ્ત હોય છે.

લગ્ન વિશે પૂછતાં તેણે હસતાં હસતાં કહ્યું કે મને જિંદગીમાં જે કંઇ પણ મળ્યું છે તેનાથી હું ખુશ છું, પરંતુ જ્યારે પણ કોઇ વસ્તુને ચાહી ત્યારે તે મારા માટે ખરાબ સાબિત થઇ. જ્યારે હું લગ્ન કરવા ઇચ્છતી હતી ત્યારે તે ન થઇ શક્યાં, જોકે મને ખુશી છે કે આમ ન થઇ શક્યું, કેમ કે થોડાં વર્ષ બાદ હું ખુદને એ જ કહું છું કે હે ભગવાન, તમે મને બચાવી લીધી.

ઘણા બધા બોલિવૂડ સ્ટારથી અલગ એવી કંગનાએ ક્યારેય પોતાના રોમેન્ટિક સંબંધોને છુપાવ્યા નથી. ઋત્વિક રોશન, અધ્યયન સુમન, આદિત્ય પંચોલી અને વિક્રમ ભટ્ટ સાથે તેનું અફેર રહ્યું છે. જિંદગીમાં જોયેલા ચઢાવ-ઉતાર વિશે તેની પ્રક્રિયા અંગે પૂછતાં તેણે કહ્યું કે હું લાઇફના અપ-ડાઉનના કારણે થોડો સમય પરેશાન જરૂર થઇ જાઉં છું.

પરંતુ મેં ક્યારેય માનસિક સંતુલન ગુમાવ્યું નથી. મારું માનવું છે કે જો એક વાર તમારો આત્મવિશ્વાસ ડગમગાયો અને તમે મેન્ટલી કમજોર પડી ગયાં તો તમને કોઇ બચાવી નહીં શકે. ફિલ્મોની વાત કરીએ તો હાલમાં કંગના ‘મેન્ટલ હૈ ક્યા’ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તેની સાથે રાજકુમાર રાવ છે. આ ઉપરાંત તેની ફિલ્મ ‘મણિકર્ણિકા’ પણ રિલીઝ માટે તૈયાર છે. •

You might also like