‌L.G.માં નર્સ અને સહાયકે ભળતી મહિલા દર્દીને ઈન્જેક્શન મારી દીધું!

મ્યુનિસિપલ સંચાલિત હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટર કે નર્સિંગ સ્ટાફની બેદરકારીથી દર્દીનો જીવ જોખમમાં મુકાવાના કિસ્સામાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. એલ.જી. હોસ્પિટલમાં નર્સ અને તેમના સહાયક દ્વારા ભળતા મહિલા દર્દીને ઇન્જેક્શન અપાયું હોવાની ચોંકાવનારી ઘટના જાણવા મળી છે.

આ મામલે દર્દીનાં સગાંએ મણિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે.એલ.જી. હોસ્પિટલના ત્રીજા માળે આવેલા ફીમેલ વોર્ડમાં ચંદ્રિકાબહેન મકવાણા નામની ર૭ વર્ષની યુવતી ઝેરી મેલેરિયાની સારવાર લઇ રહી હતી. ગત તા.૧ર એપ્રિલે તેમને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયાં હતાં અને ગઇ કાલે બપોરે ર-૩૦ કલાકે ફરજ પરના નર્સ અને તેમના પુરુષ સહાયક દ્વારા આ મહિલા દર્દીને ડૂંટીના ભાગે ઇન્જેક્શન લગાવાયું હતું,

જોકે યુવતીને સારવાર દરમ્યાન ક્યારેય આ પ્રકારે ઇન્જેક્શન લગાવાયું ન હોઇ આ અંગે પૂછપરછ કરતાં ડોક્ટર દ્વારા લખાયેલું ઇન્જેક્શન મારવાનું હોઇ આ બાબતે તમને કહેવાનું હોય નહીં તેવો ઉદ્ધત જવાબ નર્સે આપ્યો હતો, જોકે ઇન્જેક્શન લગાવ્યા બાદ યુવતીની તબિયત લથડતાં અન્ય નર્સ અને સ્ટાફ દ્વારા આ અંગે પૂછપરછ કરાતાં આ જ વોર્ડનાં ચંદ્રિકાબહેન નામનાં ૭પ વર્ષનાં માજીને જે ઇન્જેક્શન લગાવવાનું હતું તે ઇન્જેક્શન બેદરકારીથી આ યુવતીને મરાયું હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો હતો.

નર્સ અને તેમના સહાયક દ્વારા ભળતા જ દર્દીને ઇન્જેક્શન લગાવવાથી ચંદ્રિકાબહેન મકવાણાની તબિયત કથળતાં તેમને તત્કાળ જનરલ વોર્ડમાંથી ખસેડીને નવમા માળે આવેલ આઇસીયુ વોર્ડમાં દાખલ કરાયાં હતાં, જોકે આ મામલે દર્દીના ભાઇ ચંદુભાઇ મકવાણા દ્વારા મણિનગર પોલીસ સ્ટેશનમાં નર્સ અને તેમના સહાયક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાઇ છે.

દરમ્યાન દર્દીનાં સગાં-સંબંધીઓએ ગઇ કાલે હોબાળો મચાવીને મણિનગર પોલીસને બોલાવી હોવા છતાં તંત્રના જવાબદાર અધિકારી આ મામલે અંધારામાં જ છે. એલ.જી. હોસ્પિટલના આરએમઓ ડો. લક્ષ્મણ તાવિયાડને આ અંગે પૂછતાં તેઓ કહે છે, સમગ્ર ઘટનાની મને જાણ નથી, જોકે હું યોગ્ય તપાસ કરીને જવાબદાર સામે પગલાં લઇશ.

You might also like