NSG સભ્યપદ નહીં મળતાં ભારત પેરિસ ક્લાઈમેટ એગ્રિમેન્ટ લાગુ નહીં પાડે

નવી દિલ્હી: ભારત દ્વારા તમામ પ્રયાસો કરવા છતાં ચીનના વિરોધને લઈને ન્યૂ ક્લિયર સપ્લાયર્સ ગ્રૂપમાં ભારતની એન્ટ્રી થઈ શકી નહીં. દક્ષિણ કોરિયાના સિઓલમાં એનએસજીના સભ્યો રાષ્ટ્રની બેઠકમાં આવેલા પ્રસ્તાવનો ચીન અને તેના સમર્થક દેશોએ વિરોધ કરીને ભારતના પ્રયાસો પર પાણી ફેરવી દીધું છે. હવે એનએસજી સભ્યપદ નહીં મળવાના જવાબમાં ભારતે પેરિસ ક્લાઈમેટ એગ્રીમેન્ટને ક્રિયાન્વિત નહીં કરવાનો નિર્ણય કર્યો છે. ૪૮ દેશના સભ્યવાળા એનએસજી કાર્ટેલમાં ભારતનાં સભ્યપદને લઈને કોઈ નિર્ણય થઈ શક્યો નથી.

એનએસજીમાં એન્ટ્રી માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ છેલ્લી ઘડી સુધી કોશિશ કરીને ચીનના રાષ્ટ્ર પ્રમુખ શી. જિનપિંગ સાથે તાશ્કંદમાં મુલાકાત કરીને આ મુદ્દે સપોર્ટ આપવા અપીલ કરી હતી. તેમ છતાં ચીનના વિરોધના કારણે એનએસજીમાં એન્ટ્રી નહીં મળતાં ભારતે હવે પેરિસ ક્લાઈમેટ એગ્રિમેન્ટ હાલ લાગુ નહીં પાડવાનો નિર્ણય કર્યો છે.

પેરિસ ક્લાઈમેટ એગ્રિમેન્ટ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામાના કાર્યકાળની મહત્ત્વની સિદ્ધિ માનવામાં આવી રહી છે. ભારત તરફથી જારી કરવામાં આવેલાં નિવેદનમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે એનએસજીની દિશામાં સકારાત્મક નિર્ણય અમને પેરિસ એગ્રીમેન્ટ તરફ આગળ વધવા પ્રેરિત કરે છે.
પેરિસ ક્લાઈમેટ એગ્રિમેન્ટ લાગુ નહીં પાડવાનો ભારતનો નિર્ણય ઓબામા વહીવટી તંત્ર માટે મોટા ફટકારૂપ છે. અમેરિકા ઈચ્છે છે કે ભારત આ અેગ્રીમેન્ટનો અમલ કરે. એવું માનવામાં આવે છે કે એનએસજીનું સભ્યપદ મળવા પર ભારત પેરિસ ક્લાઈમેટ એગ્રિમેન્ટને સરળતાથી આગળ વધારશે.

રાજદ્વારીઓએ જણાવ્યું હતું કે એનએસજી દેશની બેઠકમાં ૩૮ સભ્ય રાષ્ટ્રોએ ભારતને બિનશરતી સમર્થન આપ્યું હતું. જ્યારે નવ દેશે આ પ્રક્રિયા સાથે સવાલ ઉઠાવ્યા હતા. જોકે ચીન છેલ્લે સુધી ભારતની વિરુદ્ધ રહ્યું હતું.

આ વર્ષના અંત સુધીમાં ભારતને એનએસજીમાં એન્ટ્રી મળશે: અમેરિકા
અમેરિકાએ ભારતને એ‍વું આશ્વાસન આપ્યું છે કે ભારત માટે એનએસજીના પૂર્ણ સભ્ય બનવા માટેનો રસ્તો આ વર્ષના અંત સુધીમાં ખૂલી જશે. ઓબામા વહીવટી તંત્રના એક અધિકારીએ જણાવ્યું હતું કે અમને સંપૂર્ણ ખાતરી છે કે આ વર્ષના અંત સુધીમાં ભારતને એનએસજીમાં સભ્યપદ મળી જશે.

You might also like