ભારતના સભ્યપદને સમર્થન આપવા NSG સભ્યોને અમેરિકાની અપીલ

વોશિંગ્ટન: અમેરિકાએ ન્યુક્લિયર સપ્લાયર ગ્રૂપ (એનએસજી)ના સભ્યોને ભારતના સભ્યપદ માટે સમર્થન આપવા અનુરોધ કર્યો છે. વિદેશ મંત્રાલયના પ્રવકતા જોન કીર્બિએ પોતાના ડેઈલી બ્રિફિંગમાં પત્રકારોને જણાવ્યું હતું કે અમેરિકાએ એનએસજીના સહયોગી દેશોને એવી અપીલ કરી છે કે જ્યારે પણ એનએસજી અંગે ચર્ચા થાય તો સહયોગી દેશો ભારતની અરજીને સમર્થન આપે. આ મામલે આવતા સપ્તાહે બેઠક મળનાર છે.

એક પ્રશ્નના ઉત્તરમાં કીર્બિએ જણાવ્યું હતું કે આ કઈ રીતે શક્ય થશે કે ભારતને સમર્થન મળશે કે કેમ તે અત્યારે હું કહી શકું નહીં કે તે અંગે કોઈ અટકળ કરી શકાય નહીં, જોકે અમે સ્પષ્ટ કર્યું છે કે ભારતની અરજીને સમર્થન આપીશું. અત્રે ઉલ્લેખનીય છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ગત સપ્તાહે અમેરિકાની યાત્રા દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામાએ ૪૮ સભ્યના ગ્રૂપ એનએસજીમાં સ્થાન મેળવવા માટે ભારતની અરજીને આવકારી હતી. અમેરિકા એનએસજીમાં ભારતના સભ્યપદને સમર્થન આપી રહ્યું છે.

આ અગાઉ અહીં એક બેઠક પૂર્વે અમેરિકાના વિદેશ પ્રધાન જોન કેરીએ એનએસજીમાં ભારતના સભ્યપદનો વિરોધ કરી રહેલા દેશોને પત્ર લખીને અનુરોધ કર્યો છે કે એનએસજીમાં ભારતને સામેલ કરવા મુદ્દે સર્વાનુમ‌િતમાં રોડાં નહીં નાખવા અને અા મુદ્દે સંમતિ સાધવા જણાવ્યું છે.

You might also like