વ્યાજદરમાં ઘટાડાની શક્યતાએ બેન્કિંગ શેર અપ

અમદાવાદ: આજે શરૂઆતે ઓટોમોબાઈલ અને બેન્કિંગ સેક્ટરની આગેવાનીએ શેરબજારમાં સુધારાની ચાલ નોંધાઇ હતી. આજે શરૂઆતે બીએસઇ સેન્સેક્સ ૧૫૬ પોઇન્ટના સુધારે ૨૮,૪૪૯ પોઇન્ટ જ્યારે એનએસઇ નિફ્ટી ૪૮ પોઇન્ટના સુધારે ૮,૭૯૩ પોઇન્ટની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી હતી. બેન્ક નિફ્ટી પણ ૧૧૬ પોઇન્ટના સુધારે ૧૯,૭૭૦ની સપાટીએ જોવાઇ હતી. શેરબજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે આગામી આરબીઆઇની બેઠકમાં વ્યાજદરમાં ઘટાડાની વધતી જતી શક્યતા વચ્ચે બેન્કિંગ શેરમાં સુધારો નોંધાયો છે એટલું જ નહીં, ઓપેક દ્વારા ક્રૂડના ઉત્પાદનમાં ઘટાડાના નિર્ણયની અસર પણ સ્થાનિક શેરબજાર ઉપર જોવા મળી હતી, જેના પગલે આજે શરૂઆતે શેરબજારમાં સુધારાની ચાલ નોંધાઇ હતી.

આજે શરૂઆતે ઓએનજીસી કંપનીના શેરમાં ૨.૫૦ ટકા, બજાજ ઓટો કંપનીના શેરમાં ૧.૨૫ ટકા, જ્યારે રિલાયન્સ કંપનીના શેરમાં ૧.૧૬ ટકા ઉછાળો નોંધાયો હતો તો બીજી બાજુ ભારતી એરટેલ કંપનીના શેરમાં ૧.૦૪ ટકા, વિપ્રો કંપનીના શેરમાં ૦.૪૮ ટકા ઘટાડો નોંધાયો હતો.

એશિયાઈ બજાર ગ્રીન ઝોનમાં
આજે મોટા ભાગનાં એશિયાઈ શેરબજાર ગ્રીન ઝોનમાં ખૂલ્યાં હતાં. ઓપેક દ્વારા ક્રૂડના ઉત્પાદનમાં ઘટાડો કરવાનો નિર્ણય કરાતાં યુએસ શેરબજાર સુધારે બંધ થયું હતું એટલું જ નહીં, એશિયાનાં મોટા ભાગનાં શેરબજારમાં આજે શરૂઆતે સુધારાની ચાલ નોંધાઈ હતી. જાપાનના નિક્કી શેરબજાર ઇન્ડેક્સમાં ૨૨૬ પોઇન્ટ, હેંગસેંગ શેરબજાર ઇન્ડેક્સમાં ૯૧ પોઇન્ટનો ઉછાળો નોંધાયો હતો. એ જ પ્રમાણે તાઇવાન શેરબજાર ઇન્ડેક્સમાં પણ મજબૂત સુધારો જોવાયો હતો. શાંઘાઇ અને સિંગાપોરના સ્ટ્રેઇટ ટાઇમ્સ ઇન્ડેક્સમાં પણ સકારાત્મક ચાલ નોંધાઇ હતી.

You might also like