મારા દીકરાને અહીં ગર્લફ્રેન્ડ છે, તમારી દીકરીની અમારે જરૂર નથી

અમદાવાદ: આજના જમાનામાં છોકરીને વિદેશમાં પરણાવવાનો ટ્રેન્ડ વધ્યો છે. એનઆરઆઇ પરિવારમાં છોકરીનું સગપણ નક્કી કરી લગ્ન કરાવી દેવાય છે, પરંતુ ઘણા કિસ્સામાં લગ્ન બાદ એનઆરઆઇ પરિવારની સાચી હકીકતો સામે આવે છે. વિદેશમાં રહેતો પરિવાર ત્યાં મોટો વેપાર અને ભણેલાં-ગણેલાં હોવાનું બતાવીને ભારતીય છોકરી સાથે લગ્ન કરે છે, પરંતુ બાદમાં પોતે છેતરાયા હોવાનો અહેસાસ થાય છે. આવું જ કંઇક અમદાવાદના આનંદનગર વિસ્તારમાં રહેતી યુવતી સાથે બન્યું છે.

આનંદનગરના રિવેરા હાઇટ્સમાં રાધિકાબહેન રામાણી (ઉ.વ.૩૦) તેમનાં માતા-પિતા સાથે રહે છે. ર૦૧પમાં રાધિકાબહેનના પિતા ગોવિંદભાઇને તેમના સંબંધી જયંતીભાઇ સરધારા અને વાલજીભાઇ સરધારાએ મૂળ અમદાવાદના શીલજના રહેવાસી અને હાલ અમેરિકાના ન્યૂજર્સી ખાતે રહેતા પ્રકાશ રામાણીના પુત્ર તરંગ રામાણી સાથે લગ્નની વાત કરી હતી. બંનેએ તરંગ સારું ભણેલો, નિર્વ્યસની અને સારું કમાતો હોવાની વાત કરી હતી.

ફેબ્રુઆરી ર૦૧પમાં તરંગ તેનાં માતા-પિતા સાથે અમદાવાદ આવતાં તમામ સંબંધીઓએ ભેગાં મળીને વાતચીત કરી હતી. તરંગે પોતે બીબીએ સુધી અભ્યાસ કર્યો હોવાની અને એમબીએનો અભ્યાસ ચાલુ કરવાનો છે તેમ જણાવ્યું હતું. લગ્ન બાદ અમેરિકામાં જ સ્થાયી થવાની વાત કરી હતી અને સારી સારી વાતો કરી હતી. મે-ર૦૧પમાં તેઓ ફરી આવતાં તરંગે મોન્ટકલેેર યુનિવર્સિટીમાંથી બીબીએ કર્યું છે અને સારું કમાઉં છું તેવી વાત કરતાં રાધિકાએ તેનો બાયોડેટા માગ્યો હતો. બાયોડેટા માગતાં તરંગે અમેરિકામાં બાયોડેટાની સિસ્ટમ નથી તેમ કહી હસવામાં કાઢયું હતું. બાયોડેટા માટે અવારનવાર કહેતાં તેણે મે ર૦૧૪માંથી મોન્ટકલેર સ્ટેટ યુનિવર્સિટીનું બીબીએનું સર્ટિફિકેટ મોકલ્યું હતું.
લગ્નની વાત ચાલતાં રાધિકા અને તેનાં માતા-પિતા અમેરિકા ખાતે જઇ ઘર જોઇ આવ્યા બાદ સાદાઇથી લગ્ન કરવાનું નક્કી કરાયું હતું. સ્પાઉસ વિઝાની જલદીથી પ્રોસેસ ચાલુ કરી લગ્ન બાદ અમેરિકા લઇ જવાનું કહ્યું હતું. ૧૬ જુલાઇ, ર૦૧પના રોજ તરંગ અને રાધિકાનાં સાદાઇથી લગ્ન થયા બાદ અઠવાડિયામાં જ તરંગ અમેરિકા જતો રહ્યો હતો. તરંગે ફોન પર અવારનવાર સાદાઇથી લગ્ન કરતાં મિત્રો અને સંબંધીઓમાં ખરાબ ઇમેજ ઊભી થઇ છે. માટે મોટું ફંકશન અમદાવાદમાં રાખવાનું કહેતા હતા. જેે રાધિકાના પિતાએ રૂ.રપ લાખનો ખર્ચ થશે તેમ કહેતાં અડધો-અડધો ખર્ચ આપવાની વાત કરી હતી. મોટું ફંકશન કર્યા બાદ તેઓ થાઇલેન્ડ ફરવા ગયા હતા. જયાં તરંગે દારૂ-સિગારેટ અને ડ્રગ્સનો નશો કરી ઝઘડો કરી માર માર્યો હતો.

સાસરિયાંઓને અમેરિકા જવાનું હોઇ તું આવીશ ત્યારે ફલાઇટમાં આટલા બધા દાગીના નહીં લઇ જવા દે. જેથી બધા દાગીના અમને આપી દે કહીને દાગીના લઇ જતા રહ્યા હતા. અમેરિકા ગયા બાદ વારંવાર સ્પાઉસ વિઝા બાબતે પૂછતાં ટાળી દેતા હતા અને ઝઘડો કરતા હતા. જેથી રાધિકા વિઝિટર વિઝા પર અમેરિકા ગઇ હતી. રાધિકા અમેરિકા પહોંચી જતાં તેઓએ રાધિકા સાથે ઝઘડો કર્યો હતો અને થોડા દિવસ રાખ્યા બાદ ઘરમાંથી કાઢી મૂકી હતી. બાદમાં રાધિકાએ મોન્ટકલેર યુનિવર્સિટીના સર્ટિફિકેટની તપાસ કરતાં તે ખોટું નીકળ્યું હતું. રાધિકાએ અમેરિકાથી અમદાવાદ પરત આવીને માતા-પિતાને સઘળી હકીકત જણાવી હતી.

આ અંગે અમેરિકા ખાતે તરંગનાં માતા-પિતાને વાત કરતાં તેઓએ જણાવ્યું હતું કે મારા દીકરાની તો અહીં ગર્લ ફ્રેન્ડ છે. ભારતીય છોકરી સારી લાગતી હોવાથી તમારી દીકરી સાથે લગ્ન કરાવ્યાં હતાં. હવે તમારી દીકરીની અમારે જરૂર નથી. સમાધાન કરવું હોય તો સામાન અને દાગીના ભૂલી જાવ. મારા દીકરાને અમેરિકામાં નવો બિઝનેસ સેટઅપ કરવો હોઇ રૂ.૪પ લાખ આપો તો જ હું મારા દીકરા સાથે ડિવોર્સ અપાવી દઇશ. આ તમામ હકીકત સગપણ કરાવનાર જયંતીભાઇ અને વાલજીભાઇને વાત કરતાં તમારો પ્રોબ્લેમ છે તમે સોલ્વ કરો તેમ કહ્યું હતું. જેથી આ રીતે એનઆરઆઇ અને ભણેલા-ગણેલા હોવાનું કહી લગ્ન કર્યા બાદ અમેરિકા નહીં લઇ જઇ તેમજ લગ્નમાં આપેલા દાગીના લઇ લેતાં રાધિકાએ આનંદનગર પોલીસ સ્ટેશનમાં તમામ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

http://sambhaavnews.com/

You might also like