અમેરિકાથી આવેલા NRI દંપતીની બેગ એરપોર્ટથી ચોરાઈ

અમદાવાદ: હાઇસિક્યોરિટી ઝોન ગણાતા અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટમાં એક વૃદ્ધ દંપતીની અમેરિકન ડોલર અને કપડાં ભરેલી બેગની ચોરી થતાં એરપોર્ટનીસિક્યોરિટી પર સવાલ ઊભા થયા છે. વૃદ્ધ દંપતીએ સ્કેનિંગ મશીનમાં સામાન ચેકિંગ કરવા મૂક્યો ને થોડીક વારમાં તેમનો સામાન ગાયબ થઇ ગયો હતો વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલ સેટેલાઇટ ટાવરમાં રહેતા ૭૪ વર્ષીય જીવણભાઇ ડાહ્યાભાઇ સેનવાએ સરદારનગર પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ કરી છે.

જીવણભાઇ અને તેમનાં પત્ની રમાબહેન બે મહિના પહેલાં અમેરિકા ગયાં હતાં. ગઇ કાલે બન્ને જણા અમેરિકાથી અમદાવાદ પરત આવી ગયા હતા. એરપોર્ટ પર જીવણભાઇએ તેમનો સામાન સ્કેનિંગ મશીનમાં ચેક કરવા મૂક્યો હતો. થોડાક સમય પછી સ્કેનિંગ મશીનમાંથી જીવણભાઇનો સામાન ચેકિંગ થઇને આવ્યો, પરંતુ એક બેગ ઓછી હતી. કોઇ અજાણ્યા શખ્સે જીવણભાઇની નજર ચૂકવીને તેમની બેગની ચોરી કરી હતી.

જીવણભાઇએ એરપોર્ટ ઓથોરિટીને આ મામલે જાણ કરતાં સરદારનગર પોલીસને બોલાવવામાં આવી હતી. જીવણભાઇની બેગમાં કપડાં તેમજ રપ૦૦ અમેરિકન ડોલર અને ૪પ૦૦ રૂપિયા રોક્ડા હતા. સરદારનગર સામાન ગુમ થઇ ગયો હોવાની અનુમાન લગાવીને તેમની જાણવાજોગ ફરિયાદ લીધી હતી. મોડી રાતે જીવણભાઇની ફરિયાદ દાખલ કરી છે. સરદારનગર પોલીસે એરપોર્ટના ચેક કરીને બેગની ચોરી કરનાર ઇસમને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યાં છે. પોલીસનું માનવું છે કે આ બેગની પેસેન્જર કે પછી એરપોર્ટમાં કામ કરતા કોઈ કર્મચારીએ ચોરી કરી હોઈ શકે છે.

You might also like