મેઘાલયમાં કોનરાડ સંગમાના ૧૧ પ્રધાન સાથે મુખ્યપ્રધાનપદે શપથ

શિલોંગ: પૂર્વોત્તરનાં ત્રણ રાજ્યમાં ચૂંટણી પરિણામ જાહેર થયા બાદ હવે સરકાર રચવાની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. મેઘાલયમાં આજે નેશનલ પીપલ્સ પાર્ટી (એનપીપી)ના નેતા કોનરાડ સંગમાએ મુખ્યપ્રધાન તરીકે હોદ્દા અને ગુપ્તતાના શપથગ્રહણ કર્યા હતા. મેઘાલયની ગઠબંધન સરકારમાં ભાજપ, એનપીપી, યુનાઇટેડ ડેમોક્રેટિક પાર્ટી (યુડીપી), હિલ સ્ટેટ પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (એચએસપીડીપી) અને પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી સામેલ છે. આ શપથગ્રહણ સમારોહમાં કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સહિત ભાજપના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા.

કોનરાડ શર્માએ પોતાના કેબિનેટના ૧૧ સભ્ય સાથે શપથગ્રહણ કર્યા હતા. મુખ્યપ્રધાન કોનરાડ સંગમા સાથે એનપીપીના સાત, યુડીપીના બે, ભાજપના એક એમ કુલ ૧૧ પ્રધાનોએ શપથગ્રહણ કર્યા હતા. મેઘાલયના ગવર્નર ગંગાપ્રસાદે સંગમા સહિત તેમની કેબિનેટના સભ્યોને શપથ લેવડાવ્યા હતા.

ર૧ બેઠક મેળવનાર કોંગ્રેસ સરકાર બનાવવામાં નિષ્ફળ રહી હતી. ૩ માર્ચના રોજ આવેલા પરિણામમાં ૬૦ સભ્યના વિધાનગૃહમાં કોંગ્રેસને ર૧, એનપીપીને ૧૯ અને ભાજપને બે બેઠક મળી હતી, જ્યારે યુડીપીને ૬ અને પીડીપીને બે બેઠક મળી હતી. એનસીપી અને હની ટ્રેપ નેશનલ અવેકિંગ મૂવમેન્ટને એક-એક બેઠક મળી હતી. આ ઉપરાંત અપક્ષના ત્રણ ધારાસભ્ય ચૂંટાયા હતા.

આ અગાઉ કોનરાડ સંગમાએ ગવર્નરને મળી સરકાર રચવાનો દાવો રજૂ કર્યો હતો અને ૩૪ વિધાનસભ્યના સમર્થન પત્ર સોંપ્યા હતા. ત્યાર બાદ ગવર્નરે સંગમાને સરકાર રચવા આમંત્રણ આપ્યું હતું. ૪૬ વર્ષના કોનરાડ સંગમા રાજ્યના ૧રમા યુવા મુખ્યપ્રધાન બન્યા છે.

૧૯૭રથી લઇ અત્યાર સુધી રાજ્યમાં સંગમાનું શાસન ર૦ વર્ષ સુધી રહ્યું હતું. રાજ્યની પ્રથમ વિધાનસભા માર્ચ-૧૯૭રમાં ચૂંટાઇ હતી અને ઓલ પાર્ટી હિલ્સ લીડર્સ કોન્ફરન્સની સરકાર બની હતી, જેનું નેતૃત્વ વિલિયમ એ. સંગમાએ કર્યું હતું. ત્યાર બાદ કોનરાડના પિતા પી. એ. સંગમા રાજ્યના મુખ્યપ્રધાન બન્યા હતા.

કોનરાડ સંગમા પ્રથમ વાર ર૦૦૮માં મેઘાલયના સૌથી યુવા નાણાપ્રધાન બન્યા હતા. તેમણે ર૦૧રમાં નેશનલ પીપલ્સ પાર્ટીની રચના કરી હતી. મેઘાલય વિધાનસભામાં ર૦૦૯થી ર૦૧૩ સુધી કોનરાડ સંગમા વિરોધ પક્ષના નેતા તરીકે રહ્યા હતા.
ભાજપે મેઘાલયમાં ખોટી રીતે સત્તા કબજે કરી છે તેવો આક્ષેપ કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ કર્યો હતો.

રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે સત્તા હાંસલ કરવાની ભૂખમાં ભાજપે તકવાદી ગઠબંધન રચીને સત્તા મેળવવા નાણાંનો ઉપયોગ કર્યો છે.

You might also like