હૃદયરોગીઓનો ઇલાજ મોંઘો થશેઃ એનપીપીએ સ્ટેન્ટના ભાવ વધાર્યા

ડાયરેકટોરેટ ઓફ ડ્રગ કંટ્રોલર એનપીપીએ જથ્થાબંધ ભાવ આધારિત ફુગાવાની ગણતરીએ કાર્ડિયાક સ્ટેન્ટ (હૃદયની બીમારીમાં મૂકવામાં આવતું ડિવાઇસ)ની કિંમતમાં ૪.ર ટકા સુુુધીનો વધારો કરવાની મંજૂરી આપી દીધી છે.  નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસ ઓથોરિટી (એનપીપીએ) દ્વારા જારી કરવામાં આવેલી નવી કિંમત અનુસાર કોટિંગ વગરના સ્ટેન્ટ (બીએમએસ)ની મહત્તમ કિંમત રૂ.૮,ર૬૧ અને ડ્રગ કોટેડ સ્ટેન્ટ (ડ્રગ એલ્યુટિંગ સ્ટેન્ટ)ની મહત્તમ કિંમત રૂ.૩૦,૦૮૦ રહેશે. બીએમએસએ કોટિંગ વગરનો સ્ટેન્ટ હોય છે. સ્ટેન્ટ ટયૂબ આકારની એક ડિવાઇસ હોય છે જેને રકતવાહિનીમાં લગાવવામાં આવે છે અને તેના કારણે લોહીનો પ્રવાહ હૃદય સુધી સરળતાથી પહોંચી શકે છે.

સ્ટેન્ટ હૃદયરોગના દર્દીઓની ધમનીના બ્લોકેજને દૂર કરે છે. એનપીપીએ એક યાદીમાં જણાવ્યું છે કે ર૦૧૮માં ફુગાવાના ૪.ર૬ ટકાના દરને ધ્યાનમાં લેતાં સ્ટેન્ટની મહત્તમ કિંમત વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ અગાઉ ગઇ સાલ ફેબ્રુઆરીમાં એનપીપીએએ સ્ટેન્ટના ભાવમાં સુધારો કર્યો હતો.

આ સુધારા હેઠળ કોટિંગ વગરના સ્ટેન્ટના ભાવ રૂ.૭,૪૦૦થી વધારીને રૂ.૭,૬૬૦ કર્યા હતા અને દવા લગાવેલા સ્ટેન્ટના ભાવ રૂ.૩૦,૧૮૦થી ઘટાડીને રૂ.ર૭,૮૯૦ કર્યા હતા.

You might also like