હવે સરકારી લાભો માટે ‘આધાર’ ફરજિયાત થશે!

નવીદિલ્હી : આધારને વૈધાનિક દરજ્જો આપવાની દિશામાં સરકાર આગળ વધી રહી છે. પ્રાપ્ત માહિતી મુજબ સરકાર સરકારી લાભ મેળવવા માટે આધાર કાર્ડને ફરજિયાત બનાવવાની દિશામાં આગળ વધી રહી છે. સરકાર સ્કીમોનો સમાવેશ કરવા નવા બિલ લાવવાની તૈયારીમાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધારને જનધન, આધાર, મોબાઇલ ગવર્નન્સ માટે મહત્વપૂર્ણ ગણે છે.

કેન્દ્ર સરકારની કલ્યાણ યોજનાઓમાં આધારને ફરજિયાત કરવામાં આવશે. ૩.૫ લાખ કરોડની આધાર યોજનાઓ રહેલી છે. સુપ્રીમ કોર્ટની ચકાસણી હેઠળ પણ કેટલાક પ્રશ્નો પહોંચી ચુક્યા છે. યુપીએ-૨ના ગાળા દરમિયાન નેશનલ આઈડેન્ટીફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા બિલ ૨૦૧૦ રાજ્યસભામાં રજૂ કરાયું હતું જેમાં આધાર સ્કીમને ટેકો આપવા વૈધાનિક જોગવાઈ કરાઈ હતી પરંતુ સંસદીય મંજુરી આને મળી ન હતી.

ભાજપના નેતૃત્વમાં એનડીએ સરકાર આ બિલને આગળ વધારવાની તૈયારીમાં છે જે હાલ રાજ્યસભામાં પેન્ડિંગ છે. સંસદના બજેટ સત્ર દરમિયાન આ બિલને પસાર કરવા માટે સરકાર મક્કમ દેખાઈ રહી છે. કેટલાક કાયદાકીય મુદ્દાઓ અને ડેટા ચકાસણી તરફ ધ્યાન અપાઈ રહ્યું છે. સરકારે તેનું વલણ સ્પષ્ટ કર્યું નથી. આધાર મારફતે કેટલીક જુની યોજનાઓને પણ જોડી દેવામાં આવશે. આધાર બિલ ૨૦૧૬ હાલમાં પેન્ડિંગ રહેલા નેશનલ આઈડેન્ટીફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા બિલની જગ્યા લેશે.

You might also like