હવે પૌષ્ટિકની સાથે રોટલી રંગીન પણ હશે

નવી દિલ્હી: હવે રોટલી, કેક અને બ્રેડને વધુ પૌષ્ટિક અને થોડાં કલરફુલ બનાવવાની રીત મળી ગઇ છે. આ માટે નેશનલ એગ્રિ-ફૂડ બાયોટેક્નોલોજી ઈન્સ્ટિટ્યૂટ (નબી)નાં વિજ્ઞાની ડો. મોનિકા ગર્ગે અલગ પ્રકારના ઘઉંનાં બીજ તૈયાર કર્યાં છે.

ડો. ગર્ગનું કહેવું છે કે આ ઘઉં સામાન્ય ઘઉંંની તુલનામાં વધુ પૌષ્ટિક હશે, તેમાં બ્લૂબેરી અને જાંબુ જેવાં ફળમાં મળી આવતાં રંગ-દ્રવ્ય એન્થોસાઇનિન ભરપૂર માત્રામાં હશે, પરંતુ જાંબુ જેટલી શુગર નહીં હોય. દરેક મોસમમાં મળી શકતા આ ઘઉંંમાં કાર્બોહાઇડ્રેટ અને ફાઇબરનું એક સંતુલિત મિશ્રણ હશે. સામાન્ય ઘઉંની જેમ તેનાં ઉપયોગ અને સ્ટોરેજ થઇ શકશે.

હાલમાં આ રંગીન ઘઉં ન્યૂઝીલેન્ડ, કેનેડા અને યુરોપના ઘણા દેશોમાં વેચવામાં આવે છે. નબીના કાર્યકારી ડિરેક્ટર ડો. ટી.આર. શર્માએ જણાવ્યું કે આ ઘઉં સામાન્ય ઘઉની તુલનામાં વધુ પૌષ્ટિક હશે. નબીનું આ ઉત્પાદન ખેડૂતોની આવકને ડબલ કરવામાં પણ ફાયદાકારક રહેશે.નિયમિત આહારમાં સામેલ કરવા સંશોધન ડો. ગર્ગે આ માટે પેટન્ટ ફાઇલ કરી છે, સાથે-સાથે હવે તે એ દિશામાં સંશોધન કરી રહ્યા છે કે આ ખાસ પ્રકારના ઘઉંને કેવી રીતે નિયમિત આહારમાં સામેલ કરી શકાય.

આ માટે નબીએ પંજાબ અને હરિયાણાની કેટલીક કંપની સાથે સમજૂતી પણ કરી છે. આશા વ્યક્ત થઇ રહી છે કે વધુ સમજૂતી થતાં તેના પર વધારે પ્રયોગ કરાશે અને દેશના વિવિધ ભાગમાં તેને પહોંચાડવામાં મદદ મળશે.
આ પેટન્ટને લઇ લખનૌની એક કંપની સાથે પણ કરાર કરાયા છે. ગોલ્ડન એગ્રિ જિનેટિક ઇન્ડિયા લિ.ની સાથે કરાયેલી સમજૂતી મુજબ આ કંપની ખેડૂતોની સહાયતાથી રંગીન ઘઉંની ખેતી કરશે.

શું છે એન્થોસાઇનિન
બ્લૂબેરી અને જાંબુ જેવાં ફળમાં મળી આવતું રંગ-દ્રવ્ય એન્થોસાઇનિન એક પ્રકારનું એન્ટિઓક્સિડન્ટ હોય છે, જે આપણા શરીરમાંથી હાનિકારક મુક્ત કણોને હટાવે છે. મેદસ્વિતા, સોજા, ડાયાબિટીસ, હૃદયરોગમાં પણ લાભ પહોંચાડે છે.

You might also like