કંપનીના ઈન્ડિપેન્ડન્ટ ડાયરેકટર બનવા માટે હવે આપવી પડશે પરીક્ષા

મુંબઇ: હવે કોઈ પણ કંપનીમાં ઇન્ડિપેન્ડેન્ટ (સ્વતંત્ર) ડાયરેકટર બનવું સરળ નહીં રહે. હવે જો કંપનીમાં ઇન્ડિપેન્ડેન્ટ ડાયરેકટર બનવું હશે તો જી-મેટ જેવી પરીક્ષા આપવી પડશે. સીએનબીસીના અહેવાલ અનુસાર મોદી સરકાર હવે પીએનબી કૌભાંડ અને દિગ્ગજ કંપનીઓના ગોટાળાઓમાં ઇન્ડિપેન્ડેન્ટ ડાયરેકટરોની ભૂંડી ભૂમિકાને ધ્યાનમાં રાખીને હવે આ માટે નવા નિયમો લાવનાર છે.

અત્યાર સુધી કંપનીમાં ઇન્ડિપેન્ડેન્ટ ડાયરેકટર બનવા માટે કોઇ નિયમો કે કાયદા હતા નહીં, પરંતુ હવે એકઝામ પાસ કરીને જે તે ઉમેદવારે કંપનીમાં ઇન્ડિપેન્ડેન્ટ ડાયરેકટર બનવા માટે પોતાની યોગ્યતા અને પાત્રતા સાબિત કરવી પડશે.

આ પેપર ૩૦૦ માર્કસનું હશે અને તેના માટે દર ૧પથી ૩૦ દિવસે પરીક્ષા યોજવામાં આવશે. ઇન્ડિપેન્ડેન્ટ ડાયરેકટર બનવા માટેની જવાબદારી ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ કોર્પોરેટ અફેર્સ (આઇઆઇસીએ)ને સોંપવામાં આવશે. આઇઆઇસીએ હવે ઇન્ડિપેન્ડેન્ટ ડાયરેકટરની રજિસ્ટ્રી મેઇન્ટેઇન કરશે.

ઇન્ડિપેન્ડેન્ટ ડાયરેકટરની પરીક્ષાને લીક પ્રૂફ બનાવવા તે હવે દેશના અનેક મોટા શહેરોમાં એક સાથે ઓનલાઇન યોજવામાં આવશે. જોકે ત્રણ વર્ષ સુુધી કંપનીના બોર્ડમાં રહેલા સભ્યને આ માટે કેટલીક શરતી છૂટછાટો મળશે. આ ઉપરાંત ઇડી, સીએફઓ, એમડી રહી ચૂકેલ વ્યકિતને પણ આ એકઝામની જોગવાઇમાંથી કેટલીક શરતી છૂટછાટ આપવામાં આવશે.

ઇન્ડિપેન્ડેન્ટ ડાયરેકટર માટેની પરીક્ષાનો હેતુ સંબંધિત ઉમેદવારની પાયાની સમજ ચકાસવાનો છે. હાલ યોગ્યતા અને અનુભવની તપાસ કરવા માટે કોઇ ફરજિયાત નિયમ કે કાયદો અસ્તિત્વમાં નથી. કંપનીઓમાં છાશવારે થતા કૌભાંડોને ધ્યાનમાં લઇને હવે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ઇન્ડિપેન્ડેન્ટ ડાયરેકટરની ભૂમિકા નક્કી કરવાની દિશામાં આ એક નિર્ણાયક પગલું બની રહેશે.

You might also like