સુહાના સફરઃ હવે રેલ્વેમાં ગંદા કોચમાં નહીં કરવી પડે મુસાફરી

ન્યૂ દિલ્હીઃ હવે રેલવેમાં મુસાફરી કરતા યાત્રીઓને ગંદા અને ક્ષતિગ્રસ્ત કોચમાં સફર નહીં કરવી પડે. આ માટે રેલવેની પહેલથી અહીં સ્વર્ણિમ અને ઉત્કૃષ્ટ પરિયોજના હેઠળ કામ ચાલી રહ્યું છે. નિયમિત સમયે હવે કોચમાં વ્યાપક બદલાવ કરાશે. દર ૬ વર્ષે કોચનું નવીનીકરણ થશે. રેલવે યાત્રીઓને સફર દરમિયાન સુખદ અનુભવ થઇ શકશે.

યાત્રા દરમિયાન યા‌ત્રીઓ ઘણી વાર ક્ષતિગ્રસ્ત કોચની ફરિયાદ કરતા હોય છે. સીટ ફાટેલી હોય છે તો ચાર્જિંગ પોઇન્ટ અને પંખા સરખી રીતે કામ કરતા હોતા નથી. બારીઓ અને ફર્શ પણ તૂટેલાં હોય છે. શૌચાલયની હાલત તો અતિશય ખરાબ હોય છે.

હવે નિયમિત દેખભાળની સાથે ૧૮ મહિના બાદ ઇન્ટિગ્રેટેડ કોચ ફેકટરીનાં પરંપરાગત કોચ અને 36 મહિના બાદ લિક હાફમેન બુશ કોચમાં જરૂરિયાત પ્રમાણે પરિવર્તન કરાય છે, પરંતુ ફંડની કમી અને અધિકારીઓની બેદરકારીના લીધે તેઓ યોગ્ય રીતે કામ કરી શકતા નથી.

આ સમસ્યાને જોતાં રેલવે બોર્ડે આરડીએસને રેલ કોચના નવીનીકરણને લઇ દિશા‌નિર્દેશ તૈયાર કરવાનું સૂચન આપ્યું છે. આરડીએસઓ દ્વારા તૈયાર કરાયેલા દિશાનિર્દેશ મુજબ પ્રત્યેક ૬ વર્ષ બાદ કોચની રંગત બદલાઇ જશે. પહેલા તબક્કામાં માત્ર એસી કોચને તેમાં સામેલ કરાશે.

દર છ વર્ષે કોચને પાટા પરથી હટાવીને કાર્યશાળામાં લઇ જઇ તેમાં જરૂરી ફેરફાર કરાશે. આ રીતે તેને એક નવું રૂપ અપાશે. એસી કોચ બાદ સામાન્ય શ્રેણીનાં કોચને આ યોજનામાં સામેલ કરાશે. રાજધાની અને શતાબ્દી ટ્રેનની સફરને યાદગાર બનાવવા માટે સ્વર્ણિમ પરિયગોજના સાથે મેલ અને એક્સપ્રેસ ટ્રેનમાં પણ યોજના શરૂ કરાઇ છે.

You might also like