હવેથી રીક્ષા ચાલકો માટે લવાશે ફરજિયાત યુનિફોર્મ, ટ્રાફિક વિભાગની વિચારણા

અમદાવાદઃ ટ્રાફિકની સમસ્યાને લઈને હવે નવી નીતિ બનાવવા માટે ટ્રાફિક વિભાગે એક નવી વિચારણા શરૂ કરી છે. આગામી સમયમાં આ નવી નીતિ બનાવવા સરકારને રજૂઆત કરવામાં આવશે. રીક્ષા ચાલકોને હવેથી ફરજિયાત યુનિફોર્મનો નિયમ લાવવા વિચારણા કરવામાં આવી રહી છે.

શહેરમાં રિક્ષા ચાલકોની સંખ્યાને ધ્યાને રાખી સરકારને આ અંગે વિશેષ રજૂઆત કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેરમાં 2 લાખ જેટલાં ઓટો રીક્ષા ચાલકો નોંધાયેલાં છે. ટ્રાફિક પોલીસ દ્વારા વધુમાં એમ પણ જણાવવામાં આવ્યું હતું કે, પાર્કિંગ પોલીસી માટે પણ હવે વિચારવું જરૂરી બન્યું છે. કેમ કે સુવિધાનાં અભાવે લોકો રસ્તાઓ પર વાહન પાર્ક કરે છે.

ઉલ્લેખનીય છે કે હાઈકોર્ટે શહેરોમાં આડેધડ થતાં પાર્કિંગ પર આકરી ટીકા કર્યા બાદ ટ્રાફિક શાખા હવે ભારે હરકતમાં આવી ગઈ છે. હાઈકોર્ટની ટીકા બાદ અમદાવાદ ટ્રાફિક શાખાએ “નો પાર્કિંગ ઝોન”માં પાર્ક કરેલાં વાહન પર તવાઈ બોલાવાની શરૂ કરી છે. નો પાર્કિંગ ઝોનમાં પાર્ક કરેલા વાહનોનાં માલિકો વિરુદ્ધ કાયદેસર ગુનો નોંધીને પોલીસે દંડ ફટકારવાનું શરૂ કરી દીધું છે.

ત્યારે મહત્વનું છે કે ટ્રાફિક પોલીસ હવે રિક્ષાચાલકોને લઇને પણ હરકતમાં આવી છે. રિક્ષા ચાલકોને માટે હવેથી ફરજિયાત યુનિફોર્મ લાવવામાં આવશે તેવી વિચારણા કરવામાં આવી છે.

આ ઉપરાંત અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યાને લઈને કડક કાર્યવાહી કરાતાં ટ્રાફિક મામલે 916 જેટલી FIR નોંધીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. શહેરમાં અલગ-અલગ વિસ્તારમાં 959 વાહનો સિઝ કરવામાં આવેલ છે. વાહનવ્યવહારને અડચણરૂપ 2100 વાહન ટોઇંગ કરાયાં છે. 249 કોમર્શિયલ બિલ્ડીંગનાં માલિકોને નોટીસ ફટકારાઇ છે. ઘાસચારા વેચાણ મામલે પણ 33 જેટલાં કેસ દાખલ કરાયાં છે.

You might also like