હવે પશ્ચિમ બંગાળ પર ત્રાટક્યું વિનાશક તોફાન ફેની: ભારે વરસાદ શરૂ, સાત જિલ્લામાં એલર્ટ

ઓડિશામાં ભારે તબાહી મચાવ્યા બાદ વિનાશક તોફાન આજે પશ્ચિમ બંગાળ પર ત્રાટક્યું છે. તોફાનના કારણે કોલકાતા સહિતનાં શહેરોમાં આંધી અને ભારે વરસાદ શરૂ થઈ ગયાં છે. સવારથી જ ભારે વરસાદ શરૂ થઈ જતાં કોલકાતા એરપોર્ટ પરથી ઊડનારી ફ્લાઈટો રદ કરવામાં આવી છે. બીજી તરફ યાત્રીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને હાવરા-ચેન્નઈ રૂટ પરની અંદાજે રર૦ ટ્રેન પણ રદ કરી દેવામાં આવી છે. તોફાનના કારણે પશ્ચિમ બંગાળનાં મુખ્યપ્રધાન અને તૃણમૂલ કોંગ્રેસનાં સુપ્રીમો મમતા બેનરજીએ આગામી ૪૮ કલાક માટે તેમની તમામ ચૂંટણીસભાઓ અને રેલીઓ રદ કરવાનો નિર્ણય લીધો છે.

ચક્રવાતી તોફાન આજે ઓડિશામાં ભારે વિનાશ વેર્યા બાદ પશ્ચિમ બંગાળના ખડગપુર પહોંચ્યું હતું. આ તોફાન આરામબાગ, પૂર્વ બર્દમાન, નાડિયા અને મુર્શિદાબાદ થઈને બાંગ્લાદેશ પર ત્રાટકશે તેવું હવામાન વિભાગના અધિકારીઓએ જણાવ્યું છે. હવામાન વિભાગે આજે પશ્ચિમ બંગાળના સાત જિલ્લામાં ભારે વરસાદનું એલaર્ટ જારી કર્યું છે. બંગાળના અનેક વિસ્તારમાં આજે ૧૦૦થી ૧૧૦ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફંુકાવાની શક્યતા પણ છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ફેની તોફાન હાલ ૯૦ કિમી પ્રતિકલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યું છે. તોફાનના કારણે ગઈ કાલે ઓડિશામાં આઠ લોકોનાં મોત થયાં હતાં અને ૧૬૦થી વધુ લોકોને ગંભીર ઈજાઓ થઈ હતી.

પૂર્વ અને પશ્ચિમ મિદનાપુર સહિત કેટલાક જિલ્લા, ઉત્તર અને દક્ષિણ ર૪ પરગણા ઉપરાંત હુગલી, ઝારગ્રામ, કોલકાતા અને સુંદરબન પણ ચક્રવાત ફેનીથી પ્રભાવિત થશે. ત્યારબાદ બાંગ્લાદેશ તરફ આગળ વધશે ત્યારે તેની અસર અને વિનાશકતા ઓછી થઈ જશે તેવું પણ હવામાન વિભાગે કહ્યું છે.

ભારતીય નૌસેનાએ રાહત અને બચાવ કામગીરી માટે પૂર્વ કિનારે છ જહાજને તહેનાત કરી દીધાં છે, જ્યારે પાંચ જહાજ, છ વિમાન અને સાત હેલિકોપ્ટરને વિશાખાપટ્ટનમમાં તૈયાર રાખવામાં આવ્યાં છે. બીજી તરફ ભારતીય વાયુસેનાએ પણ રાહત કામગીરી માટે બે સી-૧૭ પ્લેન તહેનાત કરી દીધાં છે, જ્યારે બે સી-૧૩૦ અને ચાર એએન-૩ર પ્લેન તૈયાર રાખવામાં આવ્યાં છે.

ચૂંટણીપંચે પણ ફેનીની અસરને ધ્યાનમાં રાખી સ્ટ્રોંગરૂમની સુરક્ષા માટે જરૂરી પગલાં ભર્યાં છે. ઈવીએમ અને વીવીપેટને કોઈ નુકસાન ન થાય તેની વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે. ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે પશ્ચિમ બંગાળમાં પાંચમા તબક્કા હેઠળ સોમવારે સાત લોકસભા બેઠકો માટે મતદાન થવાનું છે ત્યારે ફેનીથી ઈવીએમ કે વીવીપેટને કોઈ નુકસાન ન થાય તેની ખાસ યોજના બનાવવામાં આવી છે.

કોલકાતા પોલીસે સ્થિતિ પર નજર રાખવા માટે હેડક્વાર્ટર ખાતે ર૪ કલાક કાર્યરત કંટ્રોલરૂમ શરૂ કર્યો છે. કોલકાતા એરપોર્ટ આજે (શનિવારે) પણ બંધ રહેશે. મુખ્યપ્રધાન મમતા બેનરજીએ તમામ અધિકારીઓને લોકોને મદદ કરવા માટે તૈયાર રહેવાના આદેશ આપ્યા છે.

You might also like