કાંકરિયામાં નવું આકર્ષણઃ સહેલાણીઓને ફરવા માટે હવે ઇલેક્ટ્રિક કારની સુવિધા

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે કાંકરિયા લેકફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ કાંકરિયા તળાવને ભવ્ય બનાવ્યા બાદ ગત તા.રપથી ૩૧ ડિસેમ્બર, ર૦૦૮ દરમિયાન શહેરના પ્રથમ કાંકરિયા કાર્નિવલનું દમામભેર આયોજન કરીને તેને ગત તા.ર જાન્યુુઆરી, ર૦૦૯થી નાગરિકો માટે ખુલ્લંુ મુકાયું હતું.

વર્ષ ર૦૦૮માં પ્રથમ કાંકરિયા કાર્નિવલનું આયોજન સફળતાપૂર્વક કરનાર તત્કાલીન મેયર અસિત વોરા અને તત્કાલીન કમિશનર આે.પી. ગૌતમ દ્વારા પ્રતિવર્ષ તા.રપથી ૩૧ ડિસેમ્બર સુધી કાર્નિવલ યોજવાની પરંપરા શરૂ કરાઇ હતી. હવે તો આ કાર્નિવલ લોકોત્સવ બન્યો હોઇ તેનો આનંદ માણવા લાખો સહેલાાણીઓ ઊમટી પડે છે. પ્રત્યેક કાર્નિવલમાં તંત્ર દ્વારા નવાં આકર્ષણનો ઉમેરો કરાતો હોઇ આગામી તા.રપથી ૩૧ ડિસેમ્બર ર૦૧૮ સુધી યોજાનારા અગિયારમા કાંકરિયા કાર્નિવલ દરમિયાન છ બેઠક ધરાવતી છ ઇલેક્ટ્રિક કાર કાંકરિયા તળાવ પર દોડતી કરાશે.

આગામી કાંકરિયા કાર્નિવલમાં પરંપરાગત રીતે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ, લોકનૃત્ય, હોર્સ અને ડોગ શો, હિંદી પ્લે સિંગીંગ, વંદે ઇન્ડિયા થીમ પર સાંસ્કૃતિક કાર્યક્રમ, રોક બેન્ડ્સ, ફૂડ ફેસ્ટિવલ, ભવ્ય આતશબાજી, થીમ લાઇટિંગ, લાઇટ એન્ડ સાઉન્ડ શો જેવા સપ્તરંગી કાર્યક્રમનું આયોજન કરાય છે.

કાર્નિવલ દરમિયાન દરરોજના ચારથી પાંચ લાખ અને શનિવાર-રવિવારે પાંચથી છ લાખ સહેલાણીઓ ઊમટતા હોઇ અંદાજે રપ લાખથી વધુ સહેલાણીઓ કાર્નિવલનો લહાવો લે છે. છેલ્લા ૧૦ કાર્નિવલનો આશરે ર.૭પ કરોડથી વધારે સહેલાણીઓએ કાર્નિવલનો આનંદ માણ્યો છે. સત્તાવાળાઓ દ્વારા કાર્નિવલમાં નવા નવા આકર્ષણનો ઉમેરો કરાય છે, જેમાં તબક્કાવાર અટલ એકસપ્રેસ, એમ્યુઝમેન્ટ પાર્ક, મ્યુઝિકલ ફાઉન્ટન, સ્વર્ણજયંતી એકસપ્રેસ, બલુન સફારી રાઇડ, વોટર એક્ટિવિટીનો સમાવેશ થાય છે. આગામી કાર્નિવલમાં સહેલાણીઓ માટે છ ઇલેક્ટ્રિક કાર નવું આકર્ષણ બનશે.

હવે સત્તાવાળાઓ ઇલેક્ટ્રિક કારનો પ્રોજેકટ પીપીપી ધોરણે અમલમાં મૂકશે. કાંકરિયા તળાવનો ઘેરાવો આશરે ર.ર કિ.મી.નો હોઇ ખાસ કરીને બાળકો, મહિલાઓ અને વૃદ્ધો માટે તળાવ ફરતે આવેલા મિની ટ્રેન, કિડસ સિટી, એમ્યુઝમેન્ટ પાર્ક જેવા સ્થાયી આકર્ષણોની મુલાકાત લેવી મુશ્કેલ બને છે, જેના કારણે સામાન્ય દિવસોમાં ઊમટતા ૮થી ૧૦ હજાર સહેલાણીઓ પણ ઇચ્છા હોવા છતાં આ તમામ સ્થળોએ જઇ શકતા નથી.

પરંતુ હવે તંત્રે ઇલેક્ટ્રિક કાર માટે પાંચ જંકશન નક્કી કર્યાં છે. બાલવાટિકા, પ્રાણીસંગ્રહાલય, બટરફલાયપાર્ક, નોકટરનલ ઝૂ અને કિડ્સ સિટી એમ કુલ પાંચ જંક્શન પર મુકાનારી ઇલેક્ટ્રિક કારમાં બેસીને વૃદ્ધો, મહિલાઓ અને બાળકો વગેરે બીજા જંક્શન પર જઇ શકશે. આ માટે અંતર મુજબ રૂ.૧૦, ૧પ અને મહત્તમ રૂ.૩૦ સુધીનું ભાડું ચૂકવવું પડશે.

કિડ્સ સિટીની સામે નગીનાવાડી હોઇ તેનો જંકશનમાં સમાવેશ કરાયો નથી જ્યારે મિની ટ્રેન ખાતે જંકશન ઊભું કરવાની બાબત તંત્રની વિચારણા હેઠળ છે. પીપીપી ધોરણે આ પ્રોજેકટને અમલમાં મૂકનારી ખાનગી કંપની સ્વખર્ચે રૂ.૧૦ લાખની કિંમતની એક એવી છ ઇલેક્ટ્રિક કાર દોડતી કરશે અને મ્યુનિસિપલ સત્તાવાળાઓને ભાડાની કુલ આવકમાં પ૯ ટકાનો હિસ્સો મળશે. સહેલાણીઓ માટે કાંકરિયા લેક ફ્રન્ટ ખાતે પુષ્પકુંજ, ફૂટબોલ ગ્રાઉન્ડ, વ્યાયામ મંદિર, દેડકી ગાર્ડન, બાલવાટિકા, એમ્યુઝમેન્ટપાર્ક, નગીનાવાડી અને કિડ્સસિટી એમ આઠ પ્રવેશદ્વાર હોઇ સત્તાધીશોને સૌથી વધુ આવક પ્રવેશ ફી અને મિની ટ્રેનની થાય છે, તેમાં ઇલેક્ટ્રિક કારની આવકનો વધારો થશે.

દરમિયાન ઇલેક્ટ્રિક કાર અંગે કાંકરિયા લેકફ્રન્ટનો હવાલો સંભાળતા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ડો.કુલદીપ આર્યનો સંપર્ક કરતાં તેઓ કહે છે કે તમામ ઇલેક્ટ્રિક કાર કાંકરિયા કાર્નિવલ દરમિયાન નાગરિકોને ઉપયોગી બનશે.

You might also like