ગ્રામ પંચાયતોની કચેરીમાંથી હવે ડ્રાઈવિંગ લાઇસન્સનાં ફોર્મ ભરાશે

અમદાવાદ: રાજ્યભરની ગ્રામ પંચાયતોમાં ડ્રાઈવિંગ લાયસન્સ મેળવવા માટેની ઓનલાઈન અરજી કરવાની સુવિધા ૧લી ઓગસ્ટથી શરૂ થઈ રહી છે. માત્ર રૂ.૨૦નો ચાર્જ પંચાયતમાં ભરીને જે તે વ્યક્તિ આરટીઓમાંથી ડ્રાઈવિંગ લાઇસન્સ મેળવવાની ઓનલાઈન એપોઈન્ટમેન્ટ-અરજી કરી શકશે.

મહાનગરપાલિકાઓમાં સ્થળોએ સેવા કેન્દ્રો ઉપલબ્ધ હોય છે. જેના કારણે કોઈપણ નાગરિકને સામાન્ય સુવિધાઓ મેળવવામાં તકલીફ પડતી નથી. અંતરિયાળ ગામડાંઓમાં રહેતા લોકો અાસપાસના મોટા ગામમાં અરજી કરવા માટે ધક્કા ખાતા હોય છે. હવે આવા ફોર્મ ભરાવવા માટે તેઓને ધક્કા ખાવા પડશે નહીં.

અરજદારોએ ગ્રામ પંચાયતની ઓફિસમાં ડ્રાઈવિંગ લાઇસન્સ માટેની એપોઈન્ટમેન્ટ લીધી હશે તે જ દિવસે તેમણે સીધું આરટીઓમાં જવાનું રહેશે. ગ્રામ પંચાયતનો કોન્ટ્રેક્ટ બેઈઝ કર્મચારી એક અરજદાર પાસેથી આ માટે રૂ.૨૦નો ચાર્જ વસૂલી શકશે. એજન્ટો મન ફાવે તેવા રૂપિયા પડાવતા હોવાની ફરિયાદોના પગલે સરકારે હવે આ નવો રસ્તો અપનાવવવાનો નિર્ણય લીધો છે.

નરાજ્યની તમામ આરટીઓમાં કાચું-પાકું લાઇસન્સ, રિન્યુઅલ, ડુપ્લિકેટ, લાઇસન્સ ભરવા સહિતની પ્રક્રિયાઓ માટે ઓનલાઈન ફોર્મ ભરવું ફરજિયાત છે. તેની સાથે જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરીને અરજદારે આરટીઓમાં જવાનું રહે છે. એજન્ટો આવાં ફોર્મ ભરાવવાના રૂ.૧૦૦થી ૩૦૦ની વસૂલી કરે છે.

વાહન વ્યવહારના વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર ટ્રાયલ બેઝ પર કેટલાક ગામડાંઓમાં આ સુવિધા શરૂ કરાઈ છે. ૧લી ઓગસ્ટ સુધીમાં રાજ્યની તમામ ગ્રામ પંચાયતોમાં આ સુવિધા શરૂ થઈ જશે.

You might also like