હવે એસટી નિગમના અધિકારીઓ માટે પણ ડ્રેસ કોડ ફરજિયાત

એસટી નિગમના ડ્રાઇવર અને કન્ડક્ટર યુનિફોર્મમાં હંમેશાં જોવા મળે છે. પ્રવાસીઓ પણ તુરત જ તેમને યુનિફૉર્મના કારણે ઓળખી લે છે, પરંતુ હવે ડ્રાઇવર-કન્ડક્ટરની જેમ જ એસટી નિગમના તમામ અધિકારીઓ પણ યુનિફોર્મમાં જોવા મળશે. એસટી નિગમના અધિકારીઓએ પણ યુનિફોર્મ પહેરવો ફર‌િજયાત થઈ રહ્યો છે, જે આગામી મેં માસથી અમલી થઈ જશે.

એસટી નિગમ દ્વારા દર બે વર્ષે ચાર જોડી યુનિફોર્મ એસટી અધિકારીઓને આપવામાં આવશે. નિગમના વર્ગ-૧ અને વર્ગ-રના અધિકારીઓ માટેનો યુનિફોર્મનો કલર હોદ્દા પ્રમાણે અલગ અલગ રાખવામાં આવ્યો છે, જેથી મુસાફરો સહિતના જે તે અધિકારીઓની ઓળખ મેળવી શકે.

એસટી બસના ડ્રાઈવર અને કન્ડક્ટર વર્ષોથી યુનિફોર્મમાં ફરજ બજાવી રહ્યા છે. ક્યારેક જો કોઈ કન્ડકટર કે ડ્રાઇવર યુનિફોર્મ વગર ફરજ બજાવતા જોવા મળે તો અધિકારીઓ દ્વારા તેમના ઉપર દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે છે, પરંતુ વર્ષોથી શિસ્તના બહાને યુનિફોર્મ અંગે કન્ડકટર કે ડ્રાઇવર પર રોફ જમાવતા અધિકારીઓ માટે પણ ફર‌િજયાત યુનિફોર્મનો નિયમ બનાવાયો છે. તેથી હવે ટૂંક સમયમાં જ એસટી નિગમના તમામ કર્મચારીઓ અને અધિકારીઓ ફર‌િજયાત યુનિફોર્મ સાથે ફરજ બજાવતા જોવા મળશે, જેમાં નિગમના વર્ગ-૧થી લઈને વર્ગ-૪ સુધીના તમામ કર્મચારીઓનો સમાવેશ થાય છે

જોકે અધિકારીઓને અલગ અલગ પ્રકારના ડ્રેસ અપાશે. ડેપો મેનેજર માટે ડેનિમ ગ્રે કલરનું પેન્ટ અને લાઈટ ગ્રે કલરનો શર્ટ જ્યારે મધ્યસ્થ કચેરીના તમામ ખાતાના અધિકારીઓ અને વિભાગીય કચેરીના અધિકારીઓ માટે ડાર્ક બ્રાઉન પેન્ટ અને બેઝ કલરનો શર્ટ તથા ખાતાના વડા અને સિનિયર મેનેજમેન્ટ સ્ટાફને ડાર્ક બ્રાઉન પેન્ટ અને લાઈટ બ્રાઉન શર્ટ યુનિફોર્મ તરીકે પહેરવાનો વિભાગ દ્વારા આદેશ કરાયો છે યુનિફોર્મ નહીં પહેરનાર કોઈ પણ કર્મી ઉપર દંડાત્મક કાર્યવાહી કરાશે.

You might also like