હવે PNB-OBC અને Andhra બેન્કના મર્જરની ટૂંકમાં જાહેરાત

નવી દિલ્હી: બેન્ક ઓફ બરોડા, વિજયા બેન્ક અને દેના બેન્કના મર્જરની જાહેરાત બાદ હવે સરકાર ત્રણ વધુ બેન્કના મર્જરની જાહેરાત ટૂંકમાં કરનાર છે. હવે પંજાબ નેશનલ બેન્ક, ઓરિયેન્ટલ બેન્ક ઓફ કોમર્સ અને આંધ્ર બેન્કનું મર્જર થઇ શકે છે.

નાણાં મંત્રાલયનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે સરકારે અન્ય સરકારી બેન્કોના વિલયની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. સરકાર ઇચ્છે છે કે હવે દેશમાં માત્ર કેટલીક મોટી બેન્કો જ કાર્યરત રહે અને તેથી પીએનબી, ઓબીસી અને આંધ્ર બેન્કના મર્જરની શક્યતા તપાસવાનું શરૂ કરી દીધું છે. શક્ય છે કે ૩૧ ડિસેમ્બર પહેલા આ ત્રણેય બેન્કના મર્જરની જાહેરાત કરી દેવામાં આવશે.

એક રિપોર્ટમાં માર્કેટ નિષ્ણાતોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે બેન્કોના મર્જરની આગામી શ્રેણીમાં પંજાબ નેશનલ બેન્કમાં ઓબીસી, અલાહાબાદ બેન્ક, કોર્પોરેશન બેન્ક, ઈન્ડિયન બેન્કનું પણ મર્જર થઇ શકે છે.

વાસ્તવમાં સરકાર હવે ત્રણ ત્રણના ગ્રૂપમાં મર્જરની પ્રક્રિયા આગળ ધપાવવા માગે છે. સરકાર બેન્કોને એનપીએથી છુટકારો અપાવવા અને અર્થતંત્રને મજબૂત કરવા સરકારી બેન્કોના મર્જર પર સક્રિય રીતે આગળ વધી રહી છે.

રિપોર્ટ અનુસાર સરકાર પ્રથમ તબક્કામાં ૨૧ બેન્કની સંખ્યા ઘટાડીને ૧૨ કરવાની તૈયારીમાં છે. સરકાર મર્જર પહેલા બેન્કોના આઇટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે જેથી મર્જર બાદ બેન્કોની કામગીરીમાં ટેક્નોલોજિકલ તાલમેલ બેસાડવામાં સરળતા રહે.

આ ઉપરાંત કેનેરા બેન્કમાં સિંડિકેટ બેન્ક, આઇઓબી અને યુકો બેન્કને મર્જ કરવાની વિચારણા ચાલી રહી છે, જ્યારે યુનિયન બેન્કમાં સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાને પણ મર્જ કરી શકાય છે.

You might also like