હવે બેટ્સમેને આ ખાસ હેલ્મેટ જ પહેરવી પડશે: ICCનું ફરમાન

નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ફિલિપ હ્યુજની જેમ ફરી કોઈ બેટ્સમેનનું મોત ક્રિકેટની પીચ પર બોલ લાગવાથી ના થાય તેના માટે ઇસીસીએ કમર કસી લીધી છે. અત્યારે કોઈ પણ મેચમાં બેટ્સમેન માટે હેલ્મેટ પહેરવી ફરજિયાત તો નથી, પરંતુ હેલ્મેટ પહેરવાની સ્થિતિમાં તેણે આઇસીસી તરફથી નક્કી કરાયેલા સ્ટાન્ડર્ડમાંથી ખરા ઊતરવું પડશે. આ અંગેની જાહેરાત આઇસીસીએ એડિનબર્ગમાં યોજાયેલી વાર્ષિક બેઠકમાં કરી છે.

આઇસીસી તરફથી જાહેર કરાયેલી યાદીમાં કહેવામાં આવ્યું છે કે બેટ્સમેનોને ફક્ત એ જ હેલ્મેટ પહેરવાની મંજૂરી મળશે, જે નવા બ્રિટિશ સ્ટાન્ડર્ડ (BS7928:2013)માં ખરી ઊતરી હોય. આઇસીસીએ ખેલાડીઓને આ સ્ટાન્ડર્ડની હેલ્મેટ પહેરવાના ફાયદા સમજાવવાની જવાબદારી પોતાના સભ્ય દેશોનાં ક્રિકેટ બોર્ડને સોંપી છે.

હેલ્મેટ પહેરવી હજુ પણ ખેલાડીઓની ઇચ્છા પર નિર્ભર છે, પરંતુ જો ખેલાડીએ હેલમેટ પહેરવી હોય તો તેણે ફક્ત એ જ હેલ્મેટ પહેરવી ફરજિયાત હશે, જે બ્રિટિશ સ્ટાન્ડર્ડ પર આધારિત હોય. એ આઇસીસીની એક ફરજ છે કે ખેલાડીને કોઈ પણ એવી ઈજાથી બચાવાય, જે ખેલાડીએ અયોગ્ય હેલમેટ પહેરવાથી થતી હોય છે.

You might also like