હવે માલગાડીઅો માટે અલગ ટ્રેક બનાવવામાં અાવશે

નવી દિલ્હી: રેલવેની સેવાને વધુ ઝડપી બનાવવા અને ટ્રેનને સમયસર દોડાવવા મોદી સરકાર દ્વારા અનેક પ્રયાસ થઈ રહ્યા છે, જેમાં લોકસભાની ચૂંટણી પહેલાં માલગાડીઓ માટે અલગ ટ્રેક બનાવવાની દિશામાં કવાયત હાથ ધરવામાં આવી છે. જો આ અંગે સમયસર આયોજન થઈ જશે તો માલગાડીઓ અલગ ટ્રેક પર દોડતી થઈ જશે.
સરકારના આયોજન મુજબ જો આ તમામ કામગીરી સંપન્ન થઈ જશે તો તેનો સીધો લાભ મેલ, એક્સપ્રેસ, રાજધાની અને દૂરંતો સહિતની તમામ ટ્રેન સમયસર દોડતી થઈ શકશે, જોકે નિર્ધા‌િરત સમય કરતાં બે વર્ષ વિલંબથી ચાલતી આ યોજનાને કોઈ પણ સંજોગોમાં 2019 સુધીમાં 75 ટકા પુરી કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. તેમ છતાં આ યોજનાને પૂરી કરી લોકોને ટ્રેનની અનિયમિતતાની સમસ્યામાંથી રાહત અપાવવા પ્રયાસ કરવામાં આવશે.

કાનપુર-મુગલસરાય રેલવે લાઈનને વધુ ફાયદો
મોદી સરકાર આ યોજનાને 2019 પહેલાં પૂરી કરવા માગે છે. હાલમાં ટ્રેનમાં દરરોજ 2.30 કરોડ યાત્રિકો મુસાફરી કરે છે, જેમાંથી કેટલીક ટ્રેન મોડી પડતાં લોકો પરેશાની અનુભવે છે. તેથી જો માલગાડી માટે અલગ ટ્રેક બની જશે તો તેનો સૌથી વધુ લાભ કાનપુર અને મુગલસરાય રેલવે લાઈન પર દોડતી ટ્રેનને મળશે. કારણ આ લાઈન પરની મોટા ભાગની ટ્રેન સામાન્ય રીતે ત્રણથી પાંચ કલાક મોડી ચાલતી હોય છે.

દુર્ગાવતી-સાસારામ વચ્ચે પ્રોફેશનલ સેવા
માલગાડીઓ માટે રેલવે ટ્રેક તૈયાર કરતા ડે‌િડકેટેડ ફ્રેઇટ કો‌િરડોર (ડીએફસી)ના શાખા વડા આદેશ શર્માના જણાવ્યા અનુસાર તેઓ આ દિશામાં ઝડપથી કામગીરી કરી રહ્યા છે. ગત માર્ચ 2016માં દુર્ગાવતી-સાસારામ વચ્ચેની 56 કિમી રેલવે લાઈન પર પ્રથમ વાર વ્યાવસાયિક માલગાડીની સેવા શરૂ કરવામાં આવી છે ત્યારે અમારો પ્રયાસ છે કે 2019 સુધીમાં 75 ટકા રેલવે લાઈન પર તેને શરૂ કરવા પ્રયાસ કરવામાં આવશે.

100 કિમીની ઝડપે માલગાડી દોડશે

તેમણે વધુમાં જણાવ્યું હતંુ કે માર્ચ 2018 સુધીમાં ખુર્જાથી કાનપુર 343 કિમી અને રેવાડીથી ફુલેડા વચ્ચે 212 કિમી લાંબી લાઈન શરૂ કરવા લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આ લાઈન પર 100 કિમીની ઝડપથી માલગાડી દોડી શકે તેવું આયોજન કરવામાં આવશે તેમજ આ તમામ લાઈન માટે હાલ ડ્રોનથી ખાસ બાજ નજર રાખવામાં આવી રહી છે, જેથી લાઈન પરની ખામીઓને તાત્કાલિક દૂર કરી શકાય. ડીએફસી શરૂ થયા બાદ નિયમિત ટ્રેક પરથી 70 ટકા ટ્રેનને હટાવી લેવામાં આવશે.

You might also like