સાબરમતી જેલમાં મોબાઈલ ઘૂસાડાશે તો પણ કેદી વાપરી નહીં શકે

અમદાવાદ: વિવાદોમાં રહેલી અમદાવાદ સાબરમતી સેન્ટ્રલ જેલમાં કેદીઓ મોબાઇલ ફોનનો ઉપયોગ કરે નહીં તે માટે ૪જી (ફોર્થ જનરેશન ઇન્ટરનેટ) જામર લગાવવાની કામગીરી શરૂ કરાઇ છે. ઉલ્લેખનીય છે કે હાઇ સિક્યોરિટી ઝોનમાં રહેલા આતંકવાદીઓ સહિત ખૂનખાર આરોપીઓ સેન્ટ્રલ જેલમાં રજી જામર હોવાથી બેખોફ રીતે મોબાઇલ ફોનનો ઉપયોગ કરતા હતા. હવે જેલમાં ૪જી જામર લાગતાં આરોપીઓ મોબાઇલ ફોનનો ઉપયોગ કરી શકશે નહીં.

ગુનાહિત કૃત્ય આચરીને સેન્ટ્રલ જેલમાં આવેલા કેદીઓ આસાનીથી મોબાઇલ ફોનનો ઉપયોગ કરી રહ્યા છે. જેલ સત્તાધીશો, સ્થાનિક પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ અને એસ.ઓ.જી જેવી એજન્સીઓના સરપ્રાઈઝ ચેકિંગમાં દરમિયાન અવારનવાર મોબાઈલ ફોનથી માંડીને સીમકાર્ડ, ચાર્જર અને બેટરી જેવી પ્રતિબંધિત વસ્તુઓ મળી આવી છે. જેલમાં લગાવેલા 2જી જામર હોવા છતાંય કેદીઓ મોબાઇલ ફોન વાપરી રહ્યા છે. રાજ્યની અમદાવાદ અને વડોદરા જેલમાં જ 2જી જામર લાગેલાં હોવાનું સૂત્રોનું કહેવું છે.

જેલમાં પ્રતિબંધિત ફોન અંદર કેવી રીતે ઘૂસે છે તેના કરતાં ગંભીર બાબત એ રહી છે કે, જેલમાં વર્ષોથી જામર લગાડ્યાં હોવા છતાં ફોન કેવી રીતે થાય છે. જેલમાં 2008થી 2જી જામર લાગેલાં છે અને જમાનો 4જીનો આવી ગયો છે. 3જી અને 4જી સામે 2જીના જામરની ટેક્નોલોજી સંપૂર્ણ સુરક્ષિત નહીં હોવાનું ધ્યાને આવતાં જેલ સત્તાધીશો અને સુરક્ષા એજન્સીઓએ ‘ફોર જી’ જામર લગાવવાનો નિર્ણય લેવાયો છે.

સેન્ટ્રલ જેલમાં 100 બેરેકમાં પાકા અને કાચા કામના 2500 કરતાં વધુ કેદીઓ રહે છે. જેમાં મોટાભાગના કેદીઓ કાયદાની અને નિયમની ઐસી તૈસી કરીને મોબાઇલ ફોન જેલમાં લાવે છે અને મોબાઇલ ફોનનો ઉપયોગ કરે છે જેમને રોકવા માટે 25 લાખ કરતાં વધુના ખર્ચે જામર ઈન્સ્ટોલ કરવામાં આવી રહ્યાં છે. સેન્ટ્રલ જેલમાંથી છેલ્લાં બે ત્રણ વર્ષમાં અંદાજે 30 કરતાં વધુ ફોન કે સીમકાર્ડ મળી આવ્યાં હતા ત્યારે બીજલ જોષી ગેંગરેપ કેસમાં સંડોવાયેલા આરોપી પાસેથી ડોંગલ પણ મળી આવ્યું હતું.

ઉલ્લેખનીય છેકે વર્ષ ર૦૦૮માં અમદાવાદમાં થયેલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટના કેસમાં સંડોવાયેલા સિમી અને ઇન્ડિયન મુજાહિદ્દીનના ખતરનાક આતંકવાદીઓએ જેલમાં સુરંગ બનાવીને ભાગવાની કોશિશ કરવાનું ષડયંત્ર પકડાયું હતું. જેમાં આંતકીઓએ જેલમાં બેઠા બેઠા પાકિસ્તાન ફોન કર્યો હોવાનું સામે આવ્યું હતું. કુખ્યાત વિશાલ નાયક જેવા આરોપી જેલમાં જ STD (ભાડેથી ફોન કરવાની સવલત) જેવું કૌભાંડ ચલાવતા હોવાનો ઘટસ્ફોટ થયો હતો ત્યારે બીએમડબલ્યુ હીટ એન્ડ રન કેસમાં સંડોવાયેલા વિસ્મય શાહની બેરેકમાંથી પણ મોબાઇલ ફોન મળી આવ્યો હતો. આ મામલે જેલ સુપરિન્ટેન્ડેટ પ્રેમવીરસિંહે જણાવ્યું છે કે થોડાક દિવસોમાં સેન્ટ્રલ જેલમાં 4જી જામર લગાવી દેવામાં આવશે. જેને કારણે કેદીઓ મોબાઇલ ફોનનો ઉપયોગ કરી શકશે નહીં કોઇ પણ કેદી ચોરી છૂપીથી મોબાઇલ ફોન જેલમાં લાવશે તો પણ તે ઉપયોગી બની શકશે નહીં.

http://sambhaavnews.com/

You might also like