હવે પોકેટુરિઝમનો જમાનો !

પોકેમોન્સે સમગ્ર વિશ્વને ઘેલું લગાડ્યું તે વાત તો હવે જૂની થઈ, પરંતુ હવે પોકેટુરિઝમનો જમાનો આવ્યો છે. મેડિકલ ટૂરિઝમ, શોપિંગ ટૂરિઝમ કે બિઝનેસ ટૂરિઝમ જેવી વિવિધ શ્રેણીમાં હવે આ એક નવાં પ્રવાસનનો પણ ઉમેરો થયો છે. સ્પેનના ગ્રેનાડા શહેરમાં આવેલી જુનિયર ટ્રાવેલ નામની એક ટ્રાવેલ એજન્સી હાલ ટૂર-ગાઈડ માટે ભરતી કરી રહી છે. એવા ટૂર-ગાઈડ જે અઠંગ પોકેમોન પ્લેયર હોય અને પ્રવાસીઓને માર્ગદર્શન આપે કે સ્પેનનાં વિવિધ શહેરોમાં પોકેમોન્સ કેવી રીતે પકડવા. જીપીએસ આધારિત આ ગેમમાં કુલ ૪૦ લેવલ છે, ૨૦ લેવલથી વધુ લેવલ પાર કરેલા ઉમેદવારોની ભરતી ગાઈડ તરીકે કરવામાં આવે છે.

આ એજન્સીને અત્યાર સુધીમાં બેથી ત્રણ હજાર જેટલી અરજીઓ મળી ચૂકી છે અને દર મિનિટે ત્રણથી ચાર અરજીઓ મળી રહી છે. ગાઈડની ભરતી બાદ આ કંપની દર વીકએન્ડમાં પોકેમોન હન્ટિંગ માટેની ટૂર ગોઠવશે. રાજધાની મેડ્રિડ સહિતનાં શહેરો સુધી બસ તેમજ અન્ય વાહનોમાં પ્રવાસ ગોઠવવામાં આવશે. જેમાં ટૂર-ગાઈડનાં માર્ગદર્શન પ્રમાણે રસ્તામાં આવતા પોકેમોન્સ પકડવાના રહેશે.

જેના માટે પ્રવાસીઓએ દિવસના ૪૩ યુરો સુધીની રકમ ચૂકવવી પડશે. પ્રવાસીઓ તરફથી પણ આ ટ્રાવેલ એજન્સીને સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે. વિચારો ત્યાંની દેશી સ્ટાઇલમાં તેઓ કેવી રીતે જાહેરાત કરતા હશે , “કુછ દિન તો બિતાઓ સ્પેનમેં” કે પછી “પોકેમોન નહીં પકડા તો કુછ નહીં પકડા.”

You might also like