જીતથી સમીકરણ બદલાયાંઃ હવે પ્લેઈંગ ઈલેવન ભારતની નહીં, ઈંગ્લેન્ડની ચિંતા

સાઉથમ્પ્ટનઃ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે આજે બપોરે ૩.૩૦ વાગ્યાથી ચોથી ટેસ્ટ મેચ શરૂ થશે. હાલ ભારત પાંચ મેચની શ્રેણીમાં ૧-૨થી પાછળ છે, આથી ચોથી ટેસ્ટ નિર્ણાયક બની શકે છે. એક હકીકત એ પણ છે કે નોટિંગહમ ખાતે રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચ ભારતે જીતી લેતા સમીકરણો બદલાઈ ગયાં છે.

અગાઉ અંતિમ ઈલેવન પસંદ કરવી ભારતીય ટીમ મેનેજમેન્ટ માટે માથાનો દુખાવા સમાન હતી, હવે આ જ વાત ઈંગ્લેન્ડ માટે ચિંતાનો વિષય બની ગઈ છે.

કૂક-જેનિંગ્સના ફોર્મથી ઈંગ્લેન્ડ પરેશાનઃ શ્રેણીની શરૂઆતની બે ટેસ્ટ હાર્યા બાદ ઓપનિંગ જોડી ભારતની સૌથી મોટી ચિંતા હતી. ત્રીજી ટેસ્ટમાં શિખર ધવન અને કે. એલ. રાહુલે બંને ઇનિંગ્સમાં ૬૦-૬૦ રનની ઓપનિંગ ભાગીદારી નોંધાવી અને ભારત મેચ જીત્યું.

ત્યાર બાદ બંને ટીમનાં સમીકરણો બદલાયાં. હવે ઓપનિંગ જોડી ઈંગ્લેન્ડની ચિંતા છે. તેના ઓપનર એલિસ્ટર કૂક અને જેનિંગ્સ શ્રેણીમાં ફક્ત એક વાર ૫૦ રનની ભાગીદારી નોંધાવી શક્યા છે, જ્યારે ભારતીય ઓપનર ત્રણ વાર આવું કરી ચૂક્યા છે.

ઈંગ્લેન્ડના મિડલ ઓર્ડર પર દબાણઃ ચોથી ટેસ્ટ પહેલાં ભારતના બદલે હવે ઈંગ્લેન્ડનાે મિડલ ઓર્ડર દબાણમાં છે. તેણે નંબર ચાર પર અત્યાર સુધી ડેવિડ મલાન અને ઓલી પોપને અજમાવ્યા, પરંતુ આ બંને નિષ્ફળ રહ્યા છે. એ જ કારણ છે કે ઈંગ્લેન્ડે ઈજાગ્રસ્ત હોવા છતાં બેરિસ્ટોને ટીમમાં સામેલ કરવાના સંકેત આપ્યા છે.

ત્રીજી ટેસ્ટમાં બેરિસ્ટોની આંગળી તૂટી ગઈ હતી. બેરિસ્ટોએ ઈંગ્લેન્ડ તરફથી શ્રેણીમાં સૌથી વધુ ૨૦૬ રન બનાવ્યા છે.
રૂટ માટે વધુ ઓલરાઉન્ડર પણ મુસીબત બન્યાઃ ઈંગ્લેન્ડ પાસે હાલ ત્રણ શાનદાર ઓલરાઉન્ડર છે. ત્રણેય ઓલરાઉન્ડર- બેન સ્ટોક્સ, સેમ કુરેન અને ક્રિસ વોક્સ બે-બે ટેસ્ટ રમ્યા છે.

વોક્સે બે ટેસ્ટમાં ૧૪૯ રન બનાવ્યા છે અને આઠ વિકેટ ઝડપી છે. કુરેને બે ટેસ્ટમાં ૧૨૭ રન બનાવ્યા છે અને છ વિકેટ ઝડપી છે. સ્ટોક્સે બે ટેસ્ટમાં ૯૯ રન બનાવ્યા છે અને આઠ વિકેટ ઝડપી છે. કેપ્ટન રૂટે ત્રીજી ટેસ્ટમાં સ્ટોક્સને સામેલ કરવા માટે કુરેનને પડતો મૂક્યો હતો, પરંતુ ટીમને તેનો કોઈ ફાયદો મળ્યો નહીં. આ સ્થિતિમાં કેપ્ટન રૂટ માટે ચિંતાનો વિષય એ છે કે ચોથી ટેસ્ટમાં કયા બે ઓલરાઉન્ડર સાથે ઊતરે.

જોકે કેપ્ટન રૂટે ગઈ કાલે સાંજે કહ્યું કે, ”બેન સ્ટોક્સ બોલિંગમાં પોતાની જવાબદારી નિભાવવા સંપૂર્ણપણે ફિટ નથી, જેના કારણે ચોથી ટેસ્ટ માટેની ટીમમાં મોઇન અલીને ટીમમાં સામેલ કરાયો છે. આ ઉપરાંત ક્રિસ વોક્સના સ્થાને સેમ કુરેનને ટીમમાં સામેલ કર્યો છે.” ઉલ્લેખનીય છે કે ત્રીજી ટેસ્ટમાં સ્ટોક્સના ઘૂંટણમાં ઈજા થઈ હતી.

પીચ જીવંત લાગી રહી છે: સાઉથમ્પ્ટનઃ અહીંના સ્ટેડિયમમાં ટીમ ઇન્ડિયાએ ઈંગ્લિશ પરિસ્થિતિઓમાં પ્રેક્ટિસ કરી. મુખ્ય પીચ પર થોડું ઘાસ છે અને પીચ બિલકુલ જીવંત લાગી રહી છે. આકાશમાં વાદળ છે, જે ફાસ્ટ બોલરને મદદ કરી શકે છે.

જો મેચ પહેલાં પીચ પરથી ઘાસ હટાવવામાં નહીં આવે તો ફરી એક વાર ફાસ્ટ બોલર અને બેટ્સમેનો વચ્ચે જોરદાર જંગ જોવા મળી શકે છે. પાંચ ટેસ્ટની શ્રેણીની શરૂઆતની બંને મેચ જીત્યા બાદ ટ્રેન્ટ બ્રિજમાં મળેલી હારથી ઈંગ્લેન્ડને પોતાની રણનીચિ પર ફેરવિચારણા કરવી જરૂરી બની છે.

ઈંગ્લેન્ડની ટીમ ફરી એક વાર પોતાની મજબૂતી એટલે કે ફાસ્ટ બોલર માટે માફક આવે તેવા વાતાવરણ સાથે મહેમાનો પર ત્રાટકવા સંપૂર્ણ તૈયારી કરશે જ. અહીંની પીચ પણ આવો જ કંઈક ઇશારો કરી રહી છે.

આ મેદાન સૌથી વધુ રન બનતા ઈંગ્લેન્ડના મેદાન તરીકે જાણીતું છે. આ મેદાન પર પ્રતિ વિકેટ રનની સરેરાશ ૩૪.૧૦ની છે, જે ઈંગ્લેન્ડમાં સૌથી વધુ છે. અહીં ફાસ્ટ બોલર્સે આ સિઝનની છ ઘરેલુ મેચમાં ૩૦.૯૭ની સરેરાશથી ૧૨૨ વિકેટ ઝડપી છે, જ્યારે સ્પિનર્સને ૩૩.૮૬ની સરેરાશ ૨૩ વિકેટ મળી છે.

You might also like