હવે ઓનલાઈન વેઈટિંગ ટિકિટ પર પણ યાત્રીઓ કરી શકશે સફર

નવી દિલ્હી: જો તમે ઓનલાઈન રેલવે ટિકિટ બુક કરાવી હોય અને જો તેમાં તમને વેઇટિંગ ટિકિટ મળી હોય તો પણ તમે કાઉન્ટર પર ટિકિટ લેનાર પ્રવાસીઓની જેમ ટ્રેનમાં સફર કરી શકશો. આ અંગે દિલ્હી હાઈકોર્ટનો ૨૦૧૪નો આદેશ ફરીથી અમલી બનશે, કારણ કે આ આદેશ વિરુદ્ધ રેલવેની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટમાં યોજાયેલી આ સુનાવણી દરમિયાન રેલવેના વકીલ બે વખત હાજર નહીં થતાં સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી.

૨૦૧૪માં દિલ્હી હાઈકોર્ટે એવો ફેંસલો આપ્યો હતો કે કાઉન્ટર ટિકિટ અને ઈ-ટિકિટધારકો વચ્ચે કોઈ ભેદભાવ દાખવવો જોઈએ નહીં અને એટલા માટે રેલવે છ મહિનાની અંદર જરૂરી કાર્યવાહી કરે. ફાઈનલ ચાર્ટ બન્યા બાદ જે પ્રવાસીઓની ઈ-ટિકિટ વેઈટિંગમાં હોય છે તે આપોઆપ કેન્સલ થઈ જાય છે, પરંતુ જેમણે રેલવેના કાઉન્ટર અને વિન્ડો પરથી ટિકિટ લીધી હોય છે, તેમને વેઈટિંગ ટિકિટ પર ખાલી પડેલી બર્થ-બેઠક પર પ્રવાસ કરવાની તક મછે.

કારણ કે કાઉન્ટર ટિકિટ વિન્ડો પર કેન્સલ થાય છે ત્યારે જ રિફંડ મળે છે. આ ભેદભાવ વિરુદ્ધ કાર્યવાહી કરનાર વકીલ વિભાસ ઝાએ જણાવ્યું હતું એક વાર ઈ-ટિકિટ કન્ફર્મ નહીં થવાથી તેમને એજન્ટની ટિકિટ પર યાત્રા કરવી પડી હતી.

રેલવેએ જણાવ્યું હતું કે અમે આદેશ જોયા બાદ જ કાર્યવાહી કરીશું. અત્યારે ૭૫ ટકાથી વધુ લોકો ઓનલાઈન ટિકિટ ખરીદે છે. દિલ્હી હાઈકોર્ટે પોતાના ચુકાદામાં એવું જણાવ્યું હતું કે ચાર્ટ બન્યા બાદ પણ વેઈટિંગ ટિકિટ આપોઆપ કેન્સલ થાય કે ન થાય, પરંતુ આ અંગે ટિકિટ ધારકને ઈ-ટિકિટના બુકિંગ વખતે ઓપ્શન મળવો જોઈએ.

You might also like