હવે ફ્લિપકાર્ટ પ્રોડકટ્સ પરત કરવા માત્ર દસ દિવસ જ આપશે

નવી દિલ્હી: ફ્લિપકાર્ટે મોટા ભાગની ટોપ સેલિંગ પ્રોડકટ માટે પોતાની ‘રિટર્ન પોલિસી’ બદલી નાખી છે. અગાઉ ફ્લિપકાર્ટ ગ્રાહકોને આવી પ્રોડક્ટ પરત કરવા માટે ૩૦ દિવસનો સમય આપતી હતી, જે હવે ઘટાડીને દસ દિવસનો કરી નાખ્યો છે. કંપનીએ સેલર્સને એવું પણ જણાવ્યું છે કે ર૦ જૂન બાદ હવે તેમણે વધુ કમિશન આપવું પડશે.
ઇ-કોમર્સ કંપનીઓ કોઇ પણ જાતનો સવાલ પૂછ્યા વગર પ્રોડકટને પરત કરવાનો ઓપ્શન કસ્ટમરને આપતી હતી, પરંતુ હવે લોજિસ્ટિક લેવલ પર તેની મુશ્કેલીઓ વધી ગઇ છે. કસ્ટમર દ્વારા પ્રોડક્ટ પરત કરવાથી સેલર્સનો ખર્ચ પણ વધી જાય છે. આમાં રિટર્ન શિપિંગ માટેનો બોજો તેમણે સ્વયં ઉઠાવવો પડે છે. રિટર્ન પોલિસીમાં ફેરફાર કરવાથી હવે સેલર્સની ચિંતા થોડા ઘણા અંગે હળવી થશે.
કમિશન વધારવાનો નિર્ણય નફામાં આવવા માટે કરવામાં આવ્યો છે. દેશની મોટા ભાગની ટોચની ઇ-કોમર્સ કંપનીઓ અત્યાર સુધી નફામાં આવી શકી નથી. ફ્લિપકાર્ટની હરીફ કંપની એમેઝોને તાજેતરમાં કમિશન વધાર્યું હતું. સેલર્સનું માનવું છે કે ફ્લિપકાર્ટની રિવાઇઝ્ડ પોલિસીથી તેના પ્લેટફોર્મ પર ચીજવસ્તુઓના ભાવમાં નવ ટકા જેટલો વધારો થઇ શકે છે.
નવી રિટર્ન પોલિસી ઇલેક્ટ્રોનિકસ, બુક્સ અને મોબાઇલ ફોન જેવી કેટેગરીને લાગુ પડશે. ફ્લિપકાર્ટના સેલ્સમાં આ સેગ્મેન્ટની મોટી ભાગીદારી છે. ૩૦ દિવસની રિટર્ન પોલિસી માત્ર કપડાં, ફૂટવેર, વોચ એન્ડ આઇવેર, જવેલરી, ફેશન એસેસરીઝ અને મોટા એપ્લાયન્સીસને લાગુ પડશે. આ પોલિસીનો અમલ જુલાઇથી શરૂ થઇ જશે.

You might also like