હવે વિશ્વ માનવનો એક જ માનવ ધર્મ હશે

વિશ્વના કેટલાક દેશો પાસે અપાર ભૂમિ છે તો કેટલાક દેશોના લોકોને ગીચ વસ્તીમાં રહેવું પડે છે. કેટલાક દેશો પોતાના દેશની ખનીજ તેમજ પ્રાકૃતિક સંપત્તિના આધારે ધનકુબેર બની ગયા છે તો કેટલાક દેશોના લોકોને ખૂબ મહેનત કરવા છતાં કુદરતી સંપત્તિનો લાભ ન મળવાના કારણે ગરીબીમાં સબડવું પડે છે. ભગવાને પોતાના તમામ પુત્રોને એકસરખી સગવડ આપવા માટે ધરતીનું સર્જન કર્યું છે.
કુદરતી સંપત્તિ પર બધાંનો એકસરખો હક છે, પછી કેટલાક દેશો અયોગ્ય રીતે બધી સંપત્તિને પોતાના પટારામાં મૂકીને બીજાઓેને અેક-એક દાણા માટે ટટળાવે એવું વિભાજન અન્યાયપૂર્ણ હોવાના કારણે હવે લાંબો સમય ટકી શકશે નહીં. કોઇ દેશની દાદાગીરી હવે ચાલવાની નથી. આખું વિશ્વ એક દેશ બની જશે અને એમાં વસતા બધા જ લોકો બધી કુદરતી સંપત્તિનો ઉપયોગ એક પિતાના સંતાન હોવાના નાતે સમાન રીતે કરી શકશે. પરિશ્રમ તથા કુશળતાના આધારે કોઇકને થોડુંક વધારે મળે એ જુદી વાત છે, પરંતુ પૈતૃક સંપત્તિ પર બધાંનો સમાન અધિકાર હશે.
એવી જ રીતે પાણીનાં ટીપાં અલગ અલગ રહે તો એમનું ગૌરવ જળવાતું નથી. હવાનો એક સપાટો એમને સૂકવી જાય છે, પરંતુ જ્યારે તે ભેગાં મળીને એક વિશાળ જળાશયનું રૂપ ધારણ કરે છે ત્યારે એમની સમર્થતા અને વ્યાપકતા ખૂબ જ વધી જાય છે. આ તથ્ય સમજીને આપણે સમગ્ર માનવજાતિએ એકતાના સૂત્રમાં બંધાઇ જવાનું સાહસ કરવું જોઇએ. ધર્મ-સંપ્રદાયોની વિભાજન રેખા પણ આવી જ હોય છે. તે પોતાની માન્યતાઓને સાચી અને બીજાની માન્યતાઓને ખોટી સાબિત કરવામાં પોતાની બુદ્ધિપ્રતિભાનો દુરુપયોગ કરી સંઘર્ષની સ્થિતિ ઊભી કરે છે.
યુદ્ધોએ કેટલો વિનાશ વેર્યો છે તેનું પરિણામ આપણે જોઇ ચૂક્યા છીએ, પરંતુ પોતાના ધર્મની માન્યતાઓ બીજા લોકો પર લાદવા કેટલાં પ્રલોભનો આપ્યાં, કેટલો પક્ષપાત અને કેટલો અન્યાય કરવામાં આવ્યો છે તેનું પરોક્ષ સર્વેક્ષણ કરવું શક્ય હોય તો ખાતરી થશે કે ધાર્મિક આક્રમણો પણ ઓછાં દુઃખદાયી નથી. આગળ પણ જો આમ જ થતું રહે તો વિવાદ, વિનાશ અને વિષાદ વધતો જ રહેશે. તેથી સંપ્રદાયવાદ છોડીને અનેકતામાં એકતાની દીર્ઘદૃષ્ટિ અપનાવવી જ પડશે. સર્વધર્મ પ્રત્યે સમભાવ અને સહિષ્ણુતાની કામચલાઉ નીતિ ઠીક છે, પરંતુ છેવટે તો વિશ્વ માનવનો એક જ માનવ ધર્મ હશે.
આજના અંધકારભર્યા વાતાવરણમાં વિશ્વ ધર્મની વાત ભલે અશક્ય લાગતી હોય, પરંતુ હવે એ સમય દૂર નથી કે જ્યારે એકતાનો સૂરજ ઊગશે અને પૂર્ણ રીતે પ્રકાશશે.

You might also like