હવે બિનનિવાસી ભારતીયોને જ્વેલરીના નિયમોમાં રાહત મળશે

નવી દિલ્હી: દેશમાં સોનાની વધતી જતી આયાત પર અંકુશ મુકવા સરકારે નિયમો સખત બનાવ્યા છે. પરંતુ તેના કારણે બિનનિવાસી ભારતીયો ખૂબ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. લગ્ન કે અન્ય કોઇ પ્રસંગે જ્વેલરી સાથે દેશમાં આવતાં વિદેશ જનારાં બિનનિવાસી ભારતીયો માટે જ્વેલરીના નિયમોમાં રાહત મળી શકે છે તથા તેઓને કસ્ટમની ઝંઝટમાંથી પણ રાહત મળવાની શક્યતા છે.

જાણકારોના જણાવ્યા પ્રમાણે કેન્દ્ર સરકાર દેશમાં અને દેશ બહાર મુસાફરી કરનારા લોકો માટે એક નીતિ તૈયાર કરી રહી છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ એક્સાઇઝ એન્ડ કસ્ટમ વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવી રહેલી નીતિ અંતર્ગત લગેજના નિયમો હેઠળ વ્યક્તિગત વપરાશ માટે જ્વેલરી લાવનારા માટેના કસ્ટમના નિયમો હળવા કરાશે. તેને કારણે બિનનિવાસી ભારતીયોની સમસ્યા ઘટશે. સરકારની નવી નીતિમાં બિનનિવાસી ભારતીયોને બિનજરૂરી મુશ્કેલી પડી રહી હતી તેમાં અવરોધો દૂર કરાશે. જેમાં કસ્ટમની મંજૂરી સરળ અને ઝડપી બનાવવા પગલાં લેવામાં આવશે.

You might also like