હવે સોલો ફિલ્મનો ક્રેઝ નથી

મલ્ટિસ્ટારર ફિલ્મો કરનાર રીતેશ દેશમુખની ફિલ્મ ‘બેન્જો’ થોડા સમય પહેલાં રિલીઝ થઇ. ફિલ્મમાં રીતેશનો રોલ વખણાયો. ‘ધમાલ’, ‘ડબલ ધમાલ’, ‘મસ્તી’ અને ‘ગ્રેટ ગ્રાન્ડ મસ્તી’ જેવી ઘણી ફિલ્મો કરી ચૂકેલો રીતેશ ‘બેન્જો’માં એક અલગ પાત્ર ભજવતો અને લીડ રોલમાં જોવા મળ્યો. આજકાલ મોટા ભાગના અભિનેતાઓની સોલો પ્રોજેક્ટ કરવાની ઇચ્છા હોય છે, પરંતુ રીતેશ કહે છે કે હું આ બાબતમાં થોડો અલગ છું અને મલ્ટિસ્ટારર ફિલ્મોને એન્જોય કરું છું. ‘મસ્તી’થી લઇને ‘ક્યા કૂલ હૈ હમ’ અને ‘હાઉસફૂલ’ બાદ તેની ફ્રેન્ચાઇઝી પણ આવી અને તમામમાં મને સારો રિસ્પોન્સ મળ્યો. હવે મને સોલો ફિલ્મ કરવાનો કોઇ ક્રેઝ નથી. હવે તો ઇન્ડસ્ટ્રીમાં આટલાં વર્ષો વીતી ગયાં. હવે લાગે છે કે જે પણ કરો, સારું કરો.

રીતેશ દેશમુખ છત્રપતિ શિવાજીની બાયોપિક બનાવવાનો છે, જેમાં સલમાન ખાન પણ જોવા મળશે. આજકાલ જ્યારે દરેક ફિલ્મો ૧૦૦ કરોડની ક્લબમાં એન્ટ્રી લઇ રહી છે ત્યારે રીતેશ આ બાબતને ફગાવે છે. તે કહે છે કે જરૂરી નથી કે દરેક ફિલ્મ ૧૦૦ કરોડ રૂપિયાનો બિઝનેસ કરે. જે ફિલ્મો ૧૦૦ કરોડમાં બની છે તે માત્ર ૬૦-૭૦ કરોડની કમાણી કરે છે. ક્યારેક એવું પણ થાય છે કે ૩૦-૪૦ કરોડમાં બનેલી ફિલ્મો ડબલ કમાણી કરી જાય છે તો આ બધી બાબતોથી મને ખાસ ફરક પડતો નથી. સૌથી મોટી વાત એ છે કે ફિલ્મ દર્શકોને પસંદ પડવી જોઇએ.

You might also like