અધિકારો માટે હવે મુસ્લિમ મહિલાઓ પણ બનશે કાજી

મુંબઈ : કબૂલ હૈ, કબૂલ હૈ, કબૂલ હૈ આ વાકય સાંભળતા જ આપણા મનમાં લાંબી દાઢીવાળા કોઇ કાજીની તસ્વીર ઊભરે છે જે દુલ્હા અને દુલ્હનના નિકાહની કાર્યવાહી પૂરી કરાવતા હોય છે પરંતુ હવે નિકાહની આ કાર્યવાહી હવે મુસ્લિમ મહિલાઓ પણ પૂરી કરાવી શકશે. મુંબઈના એક મદ્રેસામાં ૩૦ મહિલાઓ કાજી બનવા માટે ઇસ્લામી તાલીમ મેળવી રહી છે. અત્રે એ નોંધનીય છે કે, થોડા દિવસ પહેલા જયપુરમાં બે મુસ્લિમ મહિલાઓએ કાજી બનવાનો દાવો કર્યો હતો.

મુંબઈના એક મદ્રેસા દારૂલ ઉલુમ નિસ્વાહમાં ૩૦ મહિલાઓ કાજી બનવાની જરૂરી ઇસ્લામિક ટ્રેનિંગ લઇ રહી છે. ટ્રસ્ટી જાકિયા સોમણ અને નૂરજહાં નિયાજીનું કહેવું છે કે, મુસ્લિમ મહિલાઓના હિતોની રક્ષા માટે જરૂરી છે કે, મહિલાઓ પણ કાજી બને. આ બંને મહિલાઓ ભારતીય મુસ્લિમ મહિલા આંદોલન સાથે જોડાયેલી છે. તેઓનું માનવું છે કે, પુરુષ કાજી હોવા પર અનેક વખત મહિલાઓના અધિકારોનો ભંગ થાય છે.

ખાસ કરીને ૩ તલ્લાક અને હલાલાના મામલામાં અનેક પુરુષ કાજી ઇસ્લામ અને કુરાનના સિધ્ધાંત વિરુધ્ધ કાર્યવાહી કરે છે. તેઓનું કહેવુ છે કે, અમે કાજી બનવા માટે બે વર્ષનો કોર્ષ શરૂ કર્યો છે. મદ્રેસામાં કુરાનની સમજની સાથે ઇસ્લામિક કાનૂન અને ભારતના બંધારણની માહિતી અપાઇ છે. તેઓનું માનવું છે કે, જયારે મહિલાઓ કાજી બનશે તો ૩ તલ્લાક અને હલાલાનો દુરુપયોગ નહીં થાય.

જાકિયા અને નૂરજહાંનું કહેવં છે કે, કુરાન અને ઇસ્લામને યોગ્ય રીતે ન સમજવા અને કાજીઓની મનમાનીઓને કારણે મહિલાઓને હલાલા જેવી અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તેમણે કહ્યં છે કે, ત્રણ વખત તલ્લાક કહેવાથી તલ્લાક થઇ જાય એવું કુરાનમાં નથી. તલ્લાક બાદ જો કોઇ પુરુષ એ જ મહિલા સાથે ફરી શાદી કરવા ઇચ્છતો હોય તો મહિલાને હલાલાની પ્રક્રિયાથી પસાર થવં પડે છે.

હલાલા હેઠળ મહિલાને પહેલા કોઇ બીજા પુરુષ સાથે શાદી કરવી પડે છે. તેની સાથે શારીરિક સંબંધ બનાવવાના હોય છે અને તે પછી તેણે તલ્લાક લઇ પોતાના પહેલા પતિ સાથે ફરીથી શાદી કરી શકે છે. તેઓ કહે છે કે, પુરુષ કાજી અનેક વખત આનો ખોટો ફાયદો ઉઠાવે છે. તેઓ જે મહિલાનો તલ્લાક કરાવતા હોય છે તેની સાથે એ વાત કહીને ખુદ જ શાદી કરી લ્યે છે કે કેટલાંક દિવસમાં જ હલાલાની પ્રક્રિયા પૂરી થઇ જાશે.

You might also like