હવે મોદી સરકાર ટ્રિપલ તલાક પર વટહુકમ લાવવાની તૈયારીમાં

નવી દિલ્હી: દલિતો અને પછાતોનાં હિતોને સુર‌િક્ષત કરતા વિધેયકને પાસ કરાવીને ઉત્સાહિત સરકાર ચોમાસુ સત્રના અંતિમ દિવસે ચોગ્ગો મારવાની તૈયારીમાં હતી અને આ માટે ટ્રિપલ તલાક સાથે સંકળાયેલ ‘મુસ્લિમ વિમેન (પ્રોટેકશન ઓફ રાઇટસ ઓન મેરેજ) બિલ-ર૦૧૮’ને રજૂ કરીને પાસ કરાવવાની તૈયારી કરી લીધી હતી, પરંતુ વિપક્ષો સાથે સંમતિ નહીં સધાતા આ વિધેયકને રાજ્યસભામાં રજૂ કરી શકાયું નહોતું.

અહેવાલો અનુસાર ટ્રિપલ તલાક વિધેયક રાજ્યસભામાં પાસ નહીં કરી શકાતાં સરકાર આ મુદ્દે વટહુકમ લાવવાની તૈયારી કરી રહી છે. કોંગ્રેસના નેતૃત્વમાં વિરોધ પક્ષોએ ટ્રિપલ તલાક બિલ પ્રવર સમિતિને મોકલવાની માગણી કરી હતી. વિરોધ પક્ષોનો સહકાર મેળવવા કેન્દ્ર સરકારે આ વિધેયકમાં ત્રણ સુધારા પણ કર્યા હતા.

ખાસ કરીને વિપક્ષોએ જે મુદ્દાઓ સામે વાંધો ઉઠાવ્યો હતો અને જેના કારણે ગત સત્રમાં આ વિધેયક રાજ્યસભામાં અટવાઇ ગયું હતું તે મુદ્દે સુધારા કરવા છતાં વિપક્ષો સાથે સંમતિ સધાઇ શકી નથી.

રાજ્યસભામાં વિપક્ષોની બહુમતી હોવાથી તેમના સહકાર વગર આ વિધેયક પાસ કરાવવું શકય જણાતું નથી. વિધેયકમાં સુધારા કરવામાં આવતાં હવે રાજ્યસભામાં તે પાસ કરાવતાં પહેલાં લોકસભામાં ફરીથી તેના સુધારા પાસ કરાવવા પડશે. હવે શિયાળુ સત્રમાં જ આ શકય બનશે. તેને ધ્યાનમાં રાખીને સરકાર ટ્રિપલ તલાક વિધેયકનો અમલ કરવા માટે વટહુકમ લાવે તો નવાઇ નહીં.

આ મુદ્દે ફરીથી રાજનીતિ ગરમાઇ શકે છે. કારણ કે ભાજપ હવે ફરીથી આ મુદ્દે કોંગ્રેસને સહકાર નહીં આપવા બદલ બદનામ કરી શકે છે. તેનો સંકેત તરત મળી ગયો હતો કે જ્યારે કેન્દ્રીય કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે શાહબાનોથી લઇને શાયરાબાનો સુધી ટ્રિપલ તલાક મુદ્દે કોંગ્રેસની વિચારાધારામાં કોઇ બદલાવ આવ્યો નથી.

કોંગ્રેસને હજુ પણ વોટ બેન્કના મામલે મહિલાઓનું શોષણ મંજૂર છે. કોંગ્રેસ માત્ર મુસ્લિમ પુરુષો અંગે જ વિચારે છે અને મહિલાઓની તેમને કોઇ દરકાર નથી.

You might also like