હવે આધાર નંબર જાહેર કર્યા વગર જ તેનું ઓથેન્ટિકેશન કરાવી શકાશે

નવી દિલ્હી:આધારની ગોપનીયતાને વધુ ફૂલપ્રૂફ બનાવવા માટે યુઆઈડીએઆઈએ એક વધુ સુરક્ષિત ક્યુઆર કોડ તૈયાર કર્યો છે, તેમાં આધારકાર્ડધારકનું નામ- સરનામું, ફોટોગ્રાફ અને જન્મતારીખ જેવી વિગતો ઉપલબ્ધ બનશે.

યુનિક આઈડે‌િન્ટફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (યુઆઈડીએઆઈ)ના અનુસાર આ બારકોડનો ઉપયોગ આધારના ૧૨ આંકડા જાહેર કર્યા વગર જ ઓફલાઈન વેરિફિકેશન માટે કરી શકાય છે. યુઆઈડીએઆઈના જણાવ્યા અનુસાર આધારકાર્ડધારક યુઆઈડીએઆઈની વેબસાઈટ કે તેની મોબાઈલ એપ દ્વારા ક્યુઆર કોડ ધરાવતો આઈડી ડાઉનલોડ કરી શકે છે અથવા તેનું પ્રિન્ટ આઉટ લઈ શકે છે.

ક્યુઆર કોડ એક પ્રકારનું બારકોડ લેબલ હોય છે, જેમાં છુપાયેલી સૂચનાઓ કમ્પ્યૂટર વાંચી શકે છે. કાર્ડધારક વિવિધ જગ્યાઓએ ઓથેન્ટિકેશન માટે આધાર નંબર છુપાવીને માત્ર આ બારકોડનો ઉપયોગ કરી શકે છે. આ માટે આધારકાર્ડધારકે પોતાનો આધાર નંબર જાહેર કરવો પડશે નહીં. આ નવી સુવિધા આધાર ડાઉનલોડ દ્વારા પ્રાપ્ત કરી શકાશે.

યુઆઈડીએઆઈના સીઈઓ અજય ભૂષણ પાંડેએ જણાવ્યું હતું કે ઓફ લાઈન ક્યુઆર કોડ એક મોટી પહેલ છે તેના દ્વારા આધારકાર્ડધારક પોતાનો આધાર નંબર જાહેર કર્યા વગર પણ આધારનું ઓથેન્ટિકેશન કરાવી શકે છે. તેમણે જણાવ્યું હતું કે ત્યારબાદ સંપૂર્ણ આધારના ઓથેન્ટિકેશનની જરૂર માત્ર એવાં સ્થળો પર રહેશે, જ્યાં કાયદા હેઠળ તેની જોગવાઈ થઈ શકશે.

જેમ કે બેન્ક ખાતાં, ટેલિકોમ સેવાઓ અથવા સબસિડી મેળવવા માટે તેની જરૂર પડશે અને આ સ્થળોએ આધારકાર્ડનું સંપૂર્ણ ઓથેન્ટિકેશન કરવું પડશે. આમ, હવે આધારકાર્ડ દ્વારા ડેટા લીક થવાની જે દહેશત પ્રવર્તે છે તે અંગે યુઆઈડીએઆઈ દ્વારા ફૂલપ્રૂફ સિસ્ટમ અપનાવવામાં આવી છે અને આ માટે હવે આધારકાર્ડ નંબર જાહેર કર્યા વગર તેનું ઓથેન્ટિકેશન ક્યુઆર બોરકોડ દ્વારા થઈ શકે છે.

You might also like