હવે પાસપોર્ટ મળી જશે માત્ર 3 દિવસમાં, માત્ર 2 જ દસ્તાવેજો જરૂરી!

મુંબઇ, ગુરુવાર
તત્કાલ પાસપોર્ટ બનાવવા માટે હવે કોઇ પણ કલાસ વન ઓફિસરનાં ચક્કર કાપવાની જરૂર નહીં પડે. આધારકાર્ડની સાથે વોટર આઇડી, પાનકાર્ડ, બેન્ક પાસબુક, ડ્રાઇવિંગ લાઇસન્સ, રેશનકાર્ડ સહિત ૧ર દસ્તાવેજોની યાદીમાંથી કોઇ પણ બે દસ્તાવેજ લગાવીને શપથપત્ર આપીનેે માત્ર ત્રણ દિવસમાં પાસપોર્ટ મેળવી શકાશે.

કેન્દ્ર સરકારના વિદેશ મંત્રાલયે પાસપોર્ટના નિયમોમાં મોટો બદલાવ લાવતાં તત્કાલ પાસપોર્ટ માટે અધિકારીઓના એડ્વાન્સ વેરિફિકેશનની અનિવાર્યતાને ખતમ કરી દીધી છે. પોલીસ વેરિફિકેશનની ઔપચારિકતા પણ પાસપોર્ટ જારી કર્યા બાદ જ પૂર્ણ કરાશે.

વિદેશ મંત્રાલયના સંયુકત સચિવ અરુણકુમાર ચેટરજી દ્વારા જારી કરાયેલી સૂચના બાદ પાસપોર્ટ નિયમોમાં ઘણા પ્રકારના સંશોધનો કરાયાં છે. નવા નિયમો હેઠળ ૧૮ વર્ષ કે તેથી વધુ ઉંમરના અરજદારોને તાત્કાલિક પાસપોર્ટ મેળવવા માટે આધારકાર્ડની સાથે નક્કી કરેલા ૧ર દસ્તાવેજોમાંથી કોઇ પણ બે જ દસ્તાવેજ રજૂ કરવા પડશે. સાથે સાથે અરજદારને સોગંદનામુ પણ આપવું પડશે. તેમાં જણાવવું પડશે કે તેનો કોઇ ગુનાઇત ઇતિહાસ નથી.

૧૮ વર્ષથી ઓછી ઉંમરના અરજદારને તત્કાળ પાસપોર્ટ જોઇએ તો આધાર ઉપરાંત શૈક્ષણિક સંસ્થા દ્વારા જારી ફોટો આઇડી કે બર્થ સર્ટિફિકેટ અથવા રેશનકાર્ડમાંથી કોઇ પણ એક દસ્તાવેજ લગાવવો અનિવાર્ય હશે. જો કોઇ સિનિયર સિટીઝન સામાન્ય યોજના હેઠળ પાસપોર્ટ માટે અરજી કરે છે તો તાત્કાલિક ફી ચૂકવ્યા વગર આઉટ ઓફ ટર્ન પાસપોર્ટ મેળવવા ઇચ્છે છે તો તેણે પણ આધારની સાથે કોઇ પણ બે દસ્તાવેજ જમા કરાવવા પડશે. રૂ.૩પ૦૦ની ફી પર ત્રણ દિવસમાં પાસપોર્ટ મળી શકશે.

You might also like